પહેલી જ મૅચમાં લંકન સ્પિનરે ટીમને અપાવી સિરીઝની જીત

08 September, 2021 02:56 PM IST  |  Mumbai | Agency

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં શ્રીલંકન ટીમ ૯ વિકેટે ૨૦૩ રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાને એમ હતું કે તેઓ ૨૦૪ રન આરામથી બનાવીને સિરીઝ જીતી જશે, પણ તેઓ ૩૦ ઓવરમાં માત્ર ૧૨૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા.

સાઉથ આફ્રિકા સામે ૨-૧થી સિરીઝ લીધા પછી ટ્રોફી સાથે શ્રીલંકાનો કૅપ્ટન દશુન શનાકા.

૨૧ વર્ષના શ્રીલંકન સ્પિનરે ગઈ કાલે પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચમાં કમાલના પર્ફોર્મન્સ સાથે ટીમને ૭૮ રનથી જીત અપાવી હતી. આ જીત સાથે લંકન ટીમે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ૧-૧થી બરોબરી કર્યા બાદ ગઈ કાલે રમાયેલી નિર્ણાયક ત્રીજી વન-ડેમાં શ્રીલંકાએ ૨૧ વર્ષના યુવા સ્પિનર મહીશ થીકશાનાને મોકો આપ્યો હતો અને તેણે ટીમ મૅનેજમેન્ટનો વિશ્વાસ સાર્થક કરતાં ૧૦ ઓવરમાં ૩૭ રન આપીને સૌથી વધુ ચાર વિકેટ સાથે તરખાટ મચાવીને સાઉથ આફ્રિકાની કમર તોડી નાખી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં શ્રીલંકન ટીમ ૯ વિકેટે ૨૦૩ રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાને એમ હતું કે તેઓ ૨૦૪ રન આરામથી બનાવીને સિરીઝ જીતી જશે, પણ તેઓ ૩૦ ઓવરમાં માત્ર ૧૨૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. મહીશ થીકશાના ઉપરાંત આઇપીએલમાં બૅન્ગલોર ટીમે સામેલ કરેલા બે ખેલાડીઓ મૅન ઑફ ધ મૅચ દુશમન્થા ચમીરા (૧૬ રનમાં બે) અને વનિન્દુ હસરંગા (૩૨ રનમાં બે વિકેટ) સાથે આફ્રિકનને નાથવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. મહત્ત્વપૂર્ણ ૨૯ રન અને બે વિકેટ સાથે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ ચમીરા મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. 

30
સાઉથ આફ્રિકન સ્પિનર તબ્રેઝ શમ્સી વન-ડે કરીઅરની આટલામી મૅચમાં પહેલી વાર રનનું ખાતું ખોલાવી શક્યો હતો. અત્યાર સુધીની ૨૯ મૅચમાં તેને ચાર વાર બૅટિંગનો મોકો મળ્યો હતો, પણ ક્યારેય રન નહોતો બનાવી શક્યો. 

cricket news sports news sports sri lanka south africa