ઍશિઝમાં ૧૭માંથી ૧૬ વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી, એક રનઆઉટ

16 January, 2022 03:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ૩૦૩ બાદ ઇંગ્લૅન્ડ ૧૮૮માં ઑલઆઉટ અને પછી કાંગારૂઓએ ૩૭ રનમાં ૩ વિકેટ ગુમાવી

કૅપ્ટન પૅટ કમિન્સે ગઈ કાલે ચાર વિકેટ લીધી હતી. (તસવીર : એ.પી.)

હોબાર્ટમાં ગઈ કાલે પાંચમી અને આખરી ટેસ્ટમાં બીજા દિવસે કુલ ૧૭ વિકેટ પડી હતી, જેમાંથી ૧૬ વિકેટ પેસ બોલરોએ લીધી હતી અને એક બૅટર રનઆઉટ થયો હતો.
ઑસ્ટ્રેલિયાએ શુક્રવારના સ્કોર (૨૪૧/૬)થી આગળ રમવાની શરૂઆત કર્યા બાદ બાકીની ૪ વિકેટ ૬૨ રનમાં ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયાના ૩૦૩ રનના પ્રથમ દાવના સ્કોર બાદ ઇંગ્લૅન્ડનો પહેલો દાવ માત્ર ૧૮૮ રનમાં પૂરો થઈ ગયો હતો. એ ૧૦ વિકેટ પડ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૩૭ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. સરસાઈ સાથે ઑસ્ટ્રેલિયાના ૧૫૨ રન હતા.
આમ, ગઈ કાલે જે કુલ ૧૭ વિકેટ ગઈ કાલે પડી એમાંથી ઇંગ્લૅન્ડના રૉરી બર્ન્સના રનઆઉટને બાદ કરતાં બાકીની ૧૬ વિકેટ આ બોલરોએ લીધી હતીઃ ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડ-૨, માર્ક વુડ-૩, ક્રિસ વૉક્સ-૨ તેમ જ ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક-૩, પૅટ કમિન્સ-૪, સ્કૉટ બોલૅન્ડ-૧ અને કૅમેરન ગ્રીન-૧.
કાંગારૂઓએ બ્રિટિશરોને ૧૮૮ રનમાં ઑલઆઉટ કરીને ૧૧૫ની લીડ લીધી હતી. 

0
ડેવિડ વૉર્નર બન્ને દાવમાં પોતાના આટલા સ્કોરે આઉટ થયો. તે ૨૦૧૯ની ઓલ્ડ ટ્રેફર્ડની ટેસ્ટ બાદ બીજી વાર મૅચના બન્ને દાવમાં ઝીરોમાં આઉટ થયો હતો.

sports sports news cricket news