ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેગ સ્પિનર સ્ટુઅર્ટ મૅક્‍ગિલને અપહરણ બાદ ખૂબ માર મરાયો

06 May, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક શૉકિંગ ઘટનામાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર સ્ટુઅર્ટ મૅક્‍‍ગિલનું તેના ઘરેથી બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ શહેરના એક ખુણે લઈ જઈને તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને ધમકાવવામાં આવ્યો હતો.

સ્ટુઅર્ટ મૅક્‍‍ગિલ

એક શૉકિંગ ઘટનામાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર સ્ટુઅર્ટ મૅક્‍‍ગિલનું તેના ઘરેથી બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ શહેરના એક ખુણે લઈ જઈને તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને ધમકાવવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના અખબાર ‘ટેલિગ્રાફ’ના અહેવાલ પ્રમાણે ગયા મહિને ૧૪ એપ્રિલે રાતે ૮ રોડ પર મૅક્‍ગિલને ૪૬ વર્ષની ઉંમરની વ્યક્તિએ રોક્યો હતો અને ત્યાર બાદ બીજા બે-ત્રણ માણસો તેની સાથે જોડાયા હતા અને મૅક્‍ગિલને જબરદસ્તી કારમાં બેસાડીને લઈ ગયા હતા. દૂર કોઈ શાંત જગ્યાએ લઈ જઈને તેની મારઝૂડ કર્યા બાદ છોડી મૂકવામાં આવ્યો હતો. છોડી મૂકતાં પહેલાં તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 

મૅક્‍‍ગિલે આ ઘટનાના ૬ દિવસ બાદ પોલીસ-ફરિયાદ કરી હતી. તપાસ બાદ પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. અહેવાલ પ્રમાણે જે ૪૬ વર્ષની વ્યક્તિએ પહેલાં મૅક્‍ગિલને રોક્યો હતો તે તેની ગર્લફ્રેન્ડનો ભાઈ મારિનો સોટિરોપૉલોસ હતો. મારિનોની માલિકીની હોટેલમાં જ મૅક્‍ગિલ કામ કરે છે. 

જોકે અપહરણ અને મારઝૂડનું ખરું કારણ હજી સુધી જાણી નથી શકાયું. મૅક્‍ગિલ ઑસ્ટ્રેલિયા વતી ૧૯૮૮થી ૨૦૦૮ દરમ્યાન ૪૪ ટેસ્ટ રમ્યો હતો, જેમાં તેણે ૨૦૮ વિકેટ લીધી હતી. એ સમયે શેન વૉર્નના દબદબાને કારણે તેને વધુ રમવા નહોતું મળ્યું. 

cricket news sports news sports