પૂરન ડેન્જરસ પ્લેયર છે : સેહવાગ

27 December, 2022 12:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગયા અઠવાડિયે તેને આઇપીએલના ફ્રૅન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સે ૧૬ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો એટલે તેની વધુ વાતો થવા માંડી છે.

નિકોલસ પૂરન

વેસ્ટ ઇન્ડીઝનો વિકેટકીપર-બૅટર નિકોલસ પૂરન આગામી ૧૩ જાન્યુઆરીએ યુએઈમાં શરૂ થનારી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ (આઇએલટી૨૦)માં રમવાનો હોવાથી થોડા દિવસથી ચર્ચામાં છે. ગયા અઠવાડિયે તેને આઇપીએલના ફ્રૅન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સે ૧૬ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો એટલે તેની વધુ વાતો થવા માંડી છે. ક્રિકેટજગતના તમામ બોલર્સ માટે ભૂતકાળમાં ડેન્જરસ થઈ ગયેલા ખુદ વીરેન્દર સેહવાગે નિકોલસ પૂરનને ડેન્જરસ બૅટર તરીકે ઓળખાવ્યો છે. યુએઈની સ્પર્ધામાં પૂરનને મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની એમઆઇ એમિરેટ્સ ટીમે ખરીદ્યો છે.
પૂરનના સુકાનમાં તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું. ખુદ પૂરન ફૉર્મમાં નથી. તેણે છેલ્લી ૧૦ ટી૨૦ ઇનિંગ્સમાં માત્ર ૯૪ રન જ બનાવ્યા છે.

આઇએએનએસના અહેવાલમાં જણાવાયા મુજબ સેહવાગે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘પૂરન ડેન્જરસ પ્લેયર છે. ટી૨૦ વર્લ્ડ કપમાં તેનો પર્ફોર્મન્સ સારો નહોતો, પરંતુ તે ઉમદા બૅટર તો છે જ. તાજેતરમાં તેણે અબુધાબી ટી૧૦ની એક ઇનિંગ્સમાં ફક્ત ૨૦-૨૫ બૉલમાં ૭૦-૮૦ રન બનાવ્યા હતા. તે ફૉર્મમાં હશે તો એમઆઇ એમિરેટ્સને જરૂર મોટો ફાયદો થશે. કીરોન પોલાર્ડના સુકાનમાં રમનારી આ ટીમમાં ડ્વેઇન બ્રાવો પણ હોવાથી આ ટીમને બે સારા ઑલરાઉન્ડર્સ મળી ગયા છે.’

sports news sports virender sehwag t20 international cricket news