યાદ રાખજો કે તમે એકને ઉશ્કેરશો, જવાબ ૧૧ જણ આપશે : રાહુલ

18 August, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅચ બાદ જીતથી ખુશખુશાલ રાહુલે ઇંગ્લૅન્ડ ટીમને વૉર્નિંગ આપી દીધી હતી

લોકેશ રાહુલ

લૉર્ડ્સની લાજવાબ જીતનો પાયો ઓપનર લોકેશ રાહુલે પહેલી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારીને આપ્યો હતો. લોકેશ રાહુલ આખરે મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. મૅચ બાદ જીતથી ખુશખુશાલ રાહુલે ઇંગ્લૅન્ડ ટીમને વૉર્નિંગ આપી દીધી હતી અને કહ્યું હતું કે તમે અમારી ટીમના કોઈ એક ખેલાડીને ઉશ્કેરવાની કોશિશ કરશો તો અમે બધા ૧૧ જણ તમને છોડીશું નહીં અને અગિયારેઅગિયાર જણ તમને જવાબ આપશે.

ઇશાન્ત શર્માની આઠમી વિકેટ પડ્યા બાદ ઇંગ્લૅન્ડ જીતનાં સપનાં જોવા લાગ્યું હતું, પણ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી વચ્ચેની અણનમ ૮૯ રનની પાર્ટનરશિપને લીધે તેઓ ભારે હતાશ થઈ ગયા હતા. ધ્યાનભંગ કરવા અનેક વાર તેમણે બુમરાહ અન શમીને ઉશ્કેરવાની કોશિશ કરી હતી. જોકે બન્નેએ શબ્દો અને બૅટ વડે તેમને બરાબરનો જવાબ આપ્યો હતો. ત્યાર બાદ શમી અને બુમરાહ તથા મોહમ્મદ સિરાજ અને ઇશાન્ત શર્માએ સાથે મળીને તેમને ૫૧ ઓવરમાં પૅવિલિયનભેગા કરી દીધા હતા. આથી રાહુલે મૅચ બાદ ઇંગ્લિશ ટીમને સ્પષ્ટ શબ્દોમાં સાવચેત કરતાં કહ્યું હતું કે ‘બન્ને ટીમ જીત માટે ખૂબ અધીરી હતી. ટેસ્ટ ક્રિકેટની આ જ તો મજા છે. અમે એક ટીમ તરીકે કોઈથી ગભરાતા નથી. અમારી ટીમમાં એવા પ્રકારનું વાતાવરણ છે અને અમારી વચ્ચે એવું મજબૂત બૉન્ડિંગ છે કે જો કોઈ અમારા એકાદ ખેલાડીને પરેશાન કરશે તો બાકીના ૧૦ પણ ઉશ્કેરાઈ જશે. જો તમે એક જણ હુમલો કરશો તો એનો મતલબ એવો થશે કે તમે આખી ટીમ પર આક્રમણ કરી રહ્યા છો.

ભારતીય પેસ બોલરો બાબતે રાહુલે કહ્યું કે ‘અમારા ચારેય પેસ બોલરો ઇંગ્લૅન્ડની તેમણે જ તૈયાર કરેલી કડવી દવા તેમને પિવડાવવા તૈયાર હતા. તેઓ ૬૦ ઓવરમાં તેમનું સંપૂર્ણ ન્યોછાવર કરવા તૈયાર હતા. લોકો ટેસ્ટમાં પૈસા ખર્ચીને આ જ જોવા મેદાનમાં આવતા હોય છે.’

રાહુલ રોજ ઊઠીને બોર્ડમાં તેનું નામ લખાયું છે કે નહીં એ જોતો

ઐતિહાસિક લૉર્ડ્સના મેદાનમાં સેન્ચુરી ફટકારનારાઓનું નામ ત્યાંના બોર્ડમાં કાયમી લખીને બહુમાન કરવાનો રિવાજ છે. આથી રાહુલ પણ પહેલી ઇનિંગ્સમાં સેન્ચુરી બાદ તેનું નામ એ બોર્ડમાં જોવા ખૂબ ઉત્સુક હતો. તે રોજ જઈને જોતો કે તેનું નામ કાયમી રીતે લખાઈ ગયું છે કે નહીં. જોકે આયોજકોએ અત્યારે ટેમ્પરરી એક કાગળમાં લખીને એને બોર્ડ પર ચીટકાડવામાં આવ્યું છે. આજ-કાલમાં રાહુલના નામની પ્લેટ તૈયાર કરીને એને બોર્ડ પર લગાડી દેવાશે.

લૉર્ડ્સમાં ૪૧ વર્ષ બાદ ભારતીય બૅટ્સમૅન બન્યો મૅન ઑફ ધ મૅચ

રાહુલે તેની ૧૨૯ રનની ઇનિંગ્સને લીધે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. આ સાથે ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં ૪૧ વર્ષ બાદ ભારતીય બૅટ્સમૅન આ અવૉર્ડર્ડ જીતી શક્યો હતો. આ પહેલાં ૧૯૭૯માં દિલીપ વેન્ગસરકર આ અવૉર્ડ જીત્યા હતા.

sports sports news cricket news kl rahul