09 October, 2025 09:45 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિશાખાપટ્ટનમમાં કૅચિંગ પ્રૅક્ટિસ કરી રહેલી કૅપ્ટન હરમનપ્રીત કૌર
વિમેન્સ વર્લ્ડ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં સહયજમાન ભારતીય ટીમની ટક્કર સાઉથ આફ્રિકન ટીમ સામે થવાની છે. ભારતીય ટીમે તેમની પ્રથમ બન્ને મૅચ જીતીને સારી શરૂઆત કરી છે. આ બન્ને ટક્કર શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સાધારણ ટીમો સામે હતી, પણ હવે ટક્કર આજે સાઉથ આફ્રિકા અને રવિવારે પાંચ વખતની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને પછી ચાર વખતની ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ જેવી મજબૂત ટીમો સામે થવાની છે. આથી આ વર્લ્ડ કપમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ પહેલી બન્ને મૅચમાં વૉર્મ-અપ કરી લીધા બાદ આજથી અસલી પરીક્ષા શરૂ થશે.
ધબડકાથી બચવું પડશે
શ્રીલંકા અને પાકિસ્તાન સામે ઓપનર સ્મૃતિ માન્ધના, કૅપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રૉડ્રિગ્સ ફ્લૉપ રહી હતી. ટૉપ ઑર્ડરના ધબડકાને લીધે ભારતીય ટીમ શ્રીલંકા સામે ૬ વિકેટે ૧૨૬ રન અને પાકિસ્તાન સામે પાંચ વિકેટે ૧૫૯ રનની નાજુક સ્થિતિમાં પહોંચી ગઈ હતી. લોઅર ઑર્ડર બૅટરો દીપ્તિ શર્મા, સ્નેહ રાણા અને અમનજોત કૌર ટીમને કમબૅક કરાવીને એક સન્માનજનક સ્કોર સુધી લઈ ગઈ હતી. ત્યાર બાદ બોલરોએ ટીમને આસાન જીત અપાવી હતી. જોકે ફરી આવા કમબૅકનો મોકો ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી ટીમો જરાય નહીં આપે. આથી ટૉપ ઑર્ડરના બૅટરોએ ચમકારો બતાવવો જ પડશે.
દીપ્તિ શર્મામાં છે દમખમ
પેસ-બોલિંગ ઑલરાઉન્ડર અમનજોત કૌર બીમાર પડી જવાથી પાકિસ્તાન સામે નહોતી રમી, પણ ટીમ મૅનેજમેન્ટ તે જલદી ફિટ થઈ જાય અને મેદાનમાં ઊતરે એવી આશા રાખી રહ્યું છે. પાકિસ્તાન સામેની જીતની સ્ટાર ક્રાન્તિ ગૌડ ભારતીય બોલિંગ અટૅકની મજબૂત કડી સાબિત થઈ રહી છે. દીપ્તિ શર્મા પણ બૅટિંગ વડે ઉપયોગી યોગદાન ઉપરાંત સૌથી વધુ ૬ વિકેટ સાથે બોલિંગમાં પણ દમ બતાવી રહી છે.
કમબૅક બાદ જોશમાં છે આફ્રિકન ટીમ
ઇંગ્લૅન્ડ સામે પ્રથમ મૅચમાં માત્ર ૬૯ રનમાં ખખડી ગઈ હતી અને ૧૦ વિકેટે હાર સાથે ટુર્નામેન્ટમાં ભૂંડી શરૂઆત કરી હતી, પણ સોમવારે ન્યુ ઝીલૅન્ડ સામે ૬ વિકેટે જીત મેળવીને કમાલનું કમબૅક કર્યું હતું. હવે આ કમાલની જીતનો જોશ તેઓ આજે ભારત સામે પણ જાળવી રાખવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.
છેલ્લી પાંચેય મૅચમાં ભારતની જીત
વન-ડે ઇન્ટરનૅશનલમાં ભારત અને સાઉથ આફ્રિકા કુલ ૩૩ વાર આમનેસામને રમ્યું છે. એમાંથી ૨૦ ભારતે જીતી છે અને ૧૨ સાઉથ આફ્રિઆએ. એક મૅચનું કોઈ રિઝલ્ટ નહોતું આવ્યું. છેલ્લી પાંચ ટક્કરની વાત કરીએ તો પાંચેય મૅચમાં ભારતીય ટીમનો જ વિજય થયો છે અને આજે વધુ એક જીત સાથે જીતની સિક્સર ફટકારવા ભારતીય ટીમ ફેવરિટ જણાઈ રહી છે.