શ્રીલંકાએ ‘ડાબા હાથના ખેલ’થી બંગલા દેશને હરાવ્યું

25 October, 2021 03:37 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

લેફ્ટ-હૅન્ડ બૅટર્સ ચરિથા અને ભાનુકાની ૮૬ રનની ભાગીદારી મૅચવિનિંગ બની

શારજાહમાં ગઈ કાલે બોલર લાહિરુ કુમારા અને બંગલા દેશના ઓપનર લિટન દાસ વચ્ચે ગરમાગરમી થઈ હતી (તસવીર : એ.એફ.પી.)

શ્રીલંકાએ ગઈ કાલે શારજાહમાં ટી૨૦ વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડના રસાકસીભર્યા મુકાબલામાં બંગલાદેશને પાંચ વિકેટે હરાવીને ગ્રુપ-1માં વિજય સાથે ખાતું ખોલાવ્યું છે. દાસુન શનાકા ઍન્ડ કંપનીએ ૧૭૨ રનનો લક્ષ્યાંક ૭ બૉલ બાકી રાખીને (૧૮.૫ ઓવરમાં) મેળવી લીધો હતો. એક તબક્કે શ્રીલંકાએ ૮ ઓવરમાં ૮૨ રન બનાવવાના હતા ત્યારે બંગલા દેશના વિજયની શક્યતા હતી. જોકે છેવટે શ્રીલંકાના ‘સિંહ’ની ત્રાડ બંગલા દેશના ‘વાઘ’ની ગર્જના કરતાં વિકરાળ સાબિત થઈ.

મૅન ઑફ ધ મૅચ તથા લેફ્ટ-હૅન્ડ બૅટર ચરિથા અસલન્કા (૮૦ અણનમ, ૪૯ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) અને બીજા લેફ્ટ-હૅન્ડ બૅટર ભાનુકા રાજાપક્સા (૫૩ રન, ૩૧ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નાં મુખ્ય યોગદાન હતાં. ૭૯ રનના કુલ સ્કોરમાં ૪ વિકેટ પડી ગયા બાદ તેમની વચ્ચેની ૮૬ રનની ભાગીદારીએ શ્રીલંકાને પરાજયથી બચાવી લીધું હતું. અગાઉ માત્ર ૧૨ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ચરિથાએ મૅચ પછી કહ્યું, ‘હું પહેલો બૉલ રમ્યો ત્યારે જ મને લાગ્યું કે પિચ સારી છે એટલે આત્મવિશ્વાસથી રમીશ તો મોટો સ્કોર બનાવી શકીશ.’

૧૬મી ઓવરમાં બન્યા બાવીસ રન

બંગલા દેશના શાકિબ-અલ-હસન અને નાસુમ અહમદે બે-બે વિકેટ તથા સૈફુદ્દીને એક વિકેટ લીધી હતી. બીજા ચાર બોલરોને વિકેટ નહોતી મળી. સૈફુદ્દીનની ૧૬મી ઓવરમાં બનેલા બાવીસ રન બંગલા દેશને ભારે પડ્યા હતા.

નઈમ-રહીમની ભાગીદારી પાણીમાં

એ પહેલાં ક્વૉલિફાઇંગમાં સ્કૉટલૅન્ડ સામે હારીને આવેલા બંગલા દેશે બૅટિંગ મળ્યા પછી ૪ વિકેટે જે ૧૭૧ રન બનાવ્યા હતા એમાં ઓપનર મોહમ્મદ નઈમ (૬૨ રન, બાવન બૉલ, છ ફોર) અને મુશ્ફિકુર રહીમ (૫૭ અણનમ, ૩૭ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરીએ ટીમની આબરૂ સાચવી લીધી હતી. ૫૬ રનમાં બે વિકેટ પડ્યા બાદ તેમની વચ્ચે ૮.૩ ઓવરમાં ૭૩ રનની ભાગીદારી થઈ હતી. શ્રીલંકાના સાત બોલરો આ બન્નેને વહેલા કાબૂમાં નહોતા લઈ શક્યા. ચમિકા કરુણારત્ને, બિનુરા ફર્નાન્ડો અને લાહિરુ કુમારાને એક-એક વિકેટ મળી હતી. બંગલા દેશનો સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ ફક્ત ૧૦ રન બનાવી શક્યો હતો.

હરીફ પ્લેયરો સામસામે આવી ગયા!

ગઈ કાલે શ્રીલંકન બોલર લાહિરુ કુમારા બંગલા દેશના ઓપનર લિટન દાસને કૅચઆઉટ કરાવ્યા પછી કંઈક બોલ્યો એટલે દાસ ઉશ્કેરાયો હતો અને બન્ને એકમેકની નજીક ધસી આવ્યા હતા. પ્લેયરોએ એકબીજાને થોડા ધક્કા માર્યા હતા, પણ અમ્પાયરો અને સાથી ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

sports sports news cricket news t20