ટી૨૦ વર્લ્ડ કપમાં ક્વૉલિફાયર શરુ

18 October, 2021 04:38 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

૨૩ ઑક્ટોબરથી સુપર-૧૨ રાઉન્ડ

પ્રતીકાત્મક તસવીર

પુરુષોનો ટી૨૦ વર્લ્ડ કપ પાંચ વર્ષે રમાઈ રહ્યો છે. છેલ્લે ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન બન્યું હતું. આ વખતના વિશ્ર્વકપની મૅચો યુએઇ અને ઓમાનમાં રમાશે. મૅચ જીતનારી ટીમને બે પૉઇન્ટ મળશે. ટાઇ મૅચમાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ અપાશે. જોકે, અનિર્ણીત રહેનારી મૅચમાં કોઈ જ પૉઇન્ટ નહીં અપાય.

પહેલી વાર ટી૨૦ વર્લ્ડ કપમાં ડીઆરએસ (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ)નો ઉપયોગ થશે. ગ્રુપ-મૅચ માટે કોઈ રિઝર્વ ડે નથી. જોકે, સેમી ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રહેશે.

ટી૨૦ વર્લ્ડ કપમાં આ વખતે કુલ ૧૬ ટીમ રમી રહી છે. રૅન્કિંગ્સના આધારે ભારત સહિત ટોચની ૮ ટીમો સુપર-12 રાઉન્ડમાં સીધી પહોંચી ગઈ છે. બાકીની ૮ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને એ ૮ ટીમો વચ્ચે ગઈ કાલે ક્વૉલિફાયર રાઉન્ડ શરૂ થયો છે.

ક્વૉલિફાયર રાઉન્ડમાં ટોચના ૪ સ્થાને રહેનારી ટીમો સુપર-12 રાઉન્ડમાં ટોચની ૮ ટીમ સાથે જોડાશે. એ ટોચની આઠ ટીમોમાં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, ન્યુ ઝીલૅન્ડ, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ છે. સુપર- 12 રાઉન્ડમાં ૬-૬ ટીમનાં બે ગ્રુપ પડશે અને ગ્રુપમાં અંદરોઅંદર મૅચો રમાયા પછી ટોચની ૪ ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે અને ૧૪ નવેમ્બરે ફાઇનલ રમાશે.

ક્વૉલિફાયર રમી રહેલી ૮ ટીમમાં શ્રીલંકા, બંગલા દેશ, આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, નામિબિયા, ઓમાન, સ્કૉટલૅન્ડ અને પપુઆ ન્યુ ગિનીનો સમાવેશ છે. ભારત સુપર-12 રાઉન્ડમાં સીધું પહોંચી ગયું હોવાથી ૨૪ ઑકટોબરથી ભારતની મૅચો શરૂ થશે. એ દિવસે પહેલો મુકાબલો પાકિસ્તાન સામે થશે. ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર ટીમને ૧૨ કરોડ રૂપિયાનું અને રનર-અપ ટીમને ૬ કરોડ રૂપિયાનું રોકડ ઇનામ મળશે. એ ઉપરાંત બીજાં અનેક ઇનામો અન્ય ટીમને આપવામાં આવશે.

ભારતની ટીમ

વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચન્દ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.

સ્ટૅન્ડ-બાય ખેલાડીઓ : શ્રેયસ ઐયર, દીપક ચાહર અને અક્ષર પટેલ.

મેન્ટર : મહેન્દ્ર સિંહ ધોની

હેડ કોચ : રવિ શાસ્ત્રી

ભારતની મુખ્ય મૅચો

૧. ૨૪ ઑક્ટોબરે પાકિસ્તાન

૨. ૩૧ ઑક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ

૩. ૩ નવેમ્બરે અફઘાનિસ્તાન

૪. પાંચમી નવેમ્બરે બી-૧ સામે

૫. ૮ નવેમ્બરે એ-૨ સામે

sports sports news cricket news t20 world cup wt20 world t20