ચાર બૉલમાં ચાર વિકેટ

19 October, 2021 03:53 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડના કૅમ્ફરે પહેલાં બ્રેટ લીની બરાબરી કરી અને પછી મલિન્ગા-રાશિદની હરોળમાં આવી ગયો

કર્ટિસ કૅમ્ફર

યુએઈમાં ટી૨૦ વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં એક પછી એક આંચકા અને ધડાકા જોવા મળી રહ્યા છે. રવિવારે ઓમાનના અલ અમેરાતમાં સ્કૉટલૅન્ડે બંગલા દેશને હરાવ્યું અને ત્યાર પછી ગઈ કાલે અબુ ધાબીમાં આયરલૅન્ડના સીમ બોલર કર્ટિસ કૅમ્ફરે નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં ૪ બૉલમાં ૪ વિકેટ લઈને ધમાલ મચાવી હતી. પહેલાં તો તેણે હૅટ-ટ્રિક લીધી એટલે ટી૨૦ વર્લ્ડ કપમાં તે આ સિદ્ધિ મેળવનાર ઑસ્ટ્રેલિયાના બ્રેટ લી પછીનો બીજો બોલર બન્યો હતો. પછી તેણે ચોથા બૉલમાં પણ વિકેટ લીધી એટલે તે ઇન્ટરનૅશનલ ટી૨૦માં ૪ બૉલમાં ૪ વિકેટ લેનાર લસિથ મલિન્ગા તથા અફઘાનિસ્તાનના રાશિદ ખાનની હરોળમાં આવી ગયો હતો. કૅમ્ફરે ઇનિંગ્સની ૧૦મી ઓવરના બીજા, ત્રીજા, ચોથા, પાંચમા બૉલમાં એકરમૅન, રાયન ટેન ડૉશેટ, એડવર્ડ્સ અને રૉલોફ વૅન ડર મર્વની વિકેટ લીધી હતી. એમાં એક બૅટર કૅચઆઉટ, બે એલબીડબ્લ્યુ અને એક ક્લીન બોલ્ડ થયો હતો.

ગઈ કાલની આ ક્વૉલિફાયર મૅચમાં નેધરલૅન્ડ્સે બૅટિંગ લઈને ૧૦૬ રન બનાવ્યા હતા. છેલ્લા ત્રણ બૉલમાં એક રનઆઉટ સહિત આખરી ત્રણ વિકેટ પડી હતી. કર્ટિસ કૅમ્ફર (૪-૦-૨૬-૪)ની બોલિંગ ઍનૅલિસિસ અદ્ભુત હતી. માર્ક ઍડિરે ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં આયરલૅન્ડે પૉલ સ્ટર્લિંગના અણનમ ૩૦ અને ગારેથ ડેલનીના ૪૪ રનની મદદથી ૧૫.૧ ઓવરમાં ૩ વિકેટે ૧૦૭ રન બનાવી લીધા હતા.

6

સ્કૉટલૅન્ડે આટલા રનથી જીતીને બંગલાદેશને મુશ્કેલીમાં મૂકી દીધું. આજે બંગલા દેશે ઓમાનને હરાવવું જ પડશે.

sports sports news cricket news t20 world cup wt20 t20 ireland