સ્કૉટલૅન્ડ સામે કૅરિબિયનોની પછડાટઃ વેસ્ટ ઇન્ડીઝના બોર્ડે ચાહકોની માગી માફી

18 October, 2022 02:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝના બૅટર્સે હવે જાગી જવાની જરૂર છે. તેઓ બૅટિંગમાં જેટલા પ્રોફેશનલ બનીને રમશે એટલો જ ટીમને ફાયદો થશે. ફિલ સિમોન્સ, વેસ્ટ ઇન્ડીઝના હેડ-કોચ

જ્યૉર્જ મન્સીએ ૬૬ રને અણનમ રહ્યા પછી ઓપનર કાઇલ માયર્સનો કૅચ પણ પકડ્યો હતો. તસવીર એ.એફ.પી.

બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બનેલા વિન્ડીઝની ૪૨ રનથી કારમી હાર

ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆતમાં એક પછી એક આંચકા અનુભવાઈ રહ્યા છે. બાવીસમી ઑક્ટોબરે સુપર-12 રાઉન્ડ સાથે મુખ્ય વર્લ્ડ કપ શરૂ થાય એ પહેલાંના પ્રારંભિક રાઉન્ડમાં રવિવારે ક્રિકેટમાં ટચૂકડા ગણાતા નામિબિયા દેશની ટીમે થોડા દિવસ પહેલાં એશિયન ચૅમ્પિયન બનેલા શ્રીલંકાને જીલૉન્ગમાં પછડાટ આપી ત્યાર બાદ ગઈ કાલે હોબાર્ટમાં સ્કૉટલૅન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝની નામોશી થઈ હતી. રિચી બૅરિંગ્ટનની કૅપ્ટન્સીમાં સ્કૉટિશોએ પાંચ વિકેટે ૧૬૦ રન બનાવ્યા અને પછી નિકોલસ પૂરનના સુકાનમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૧૮ રનના સ્કોરે ઑલઆઉટ થઈ જતાં ૪૨ રનથી હારી ગઈ હતી.

સામાન્ય રીતે કોઈ ક્રિકેટ બોર્ડ પોતાની ટીમની નામોશીને પગલે તરત માફી માગતું નથી, પરંતુ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ બોર્ડે સ્કૉટલૅન્ડ સામેના શૉકિંગ પરાજય બાદ સોશ્યલ મીડિયા કૅરિબિયન ટીમના વિશ્વભરના ચાહકોની માફી માગી હતી.

મન્સી મૅન ઑફ ધ ડે

બે વખત (૨૦૧૨, ૨૦૧૬) ટી૨૦માં વિશ્વવિજેતા બની ચૂકેલા વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. સ્કૉટિશ ઓપનર્સ જ્યૉર્જ મન્સી (૬૬ અણનમ, ૫૩ બૉલ, નવ ફોર) અને માઇકલ જૉન્સ (૨૦ રન, ૧૭ બૉલ, ત્રણ ફોર)ની જોડીએ પ્રથમ બૅટિંગ મળ્યાનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમણે વરસાદના વિઘ્ન પહેલાં શરૂઆતની પાંચ ઓવરમાં ૧૦ની ઍવરેજે ૫૦ રન ખડકી દીધા હતા. તેમની વચ્ચેની પંચાવન રનની ઓપનિંગ પાર્ટનરશિપ પછી બીજી કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ, પણ બાકીના બૅટર્સે ટીમને ૨૦ ઓવરના અંતે ૧૬૦/૫નો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.

સ્કૉટિશ સ્પિનર્સ ચમક્યા

ક્રિસ ગેઇલ, આન્ડ્રે રસેલ, શિમરોન હેટમાયર, ડેનિશ રામદીન જેવા મુખ્ય ખેલાડીઓ વિનાની કૅરિબિયન ટીમે ૧૬૧ રનના લક્ષ્યાંકને નજર સમક્ષ રાખીને શરૂઆત સાધારણ કરી હતી, પરંતુ ૬૯મા રન સુધીમાં એની પાંચ વિકેટ પડી ચૂકી હતી. કાઇલ માયર્સ (૨૦), એવિન લુઇસ (૧૪) જેવા ખ્યાતનામ ઓપનર્સ વચ્ચે ફક્ત ૨૦ રનની ભાગીદારી થઈ હતી અને પછી બ્રેન્ડન કિંગ (૧૭), કૅપ્ટન નિકોલસ પૂરન (૫) અને રૉવમૅન પૉવેલ (૫)ની વિકેટ બાદ શમાર બ્રુક્સ (૪) પણ વહેલો પૅવિલિયનભેગો થઈ ગયો હતો. સ્કૉટલૅન્ડના ખેલાડીઓએ પણ નહીં ધાર્યું હોય એ રીતે કૅરિબિયન ટીમનો બૅટિંગ-ઑર્ડર પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો હતો. ખાસ કરીને સ્કૉટલૅન્ડના સ્પિનર્સે કૅરિબિયન ટીમને પરાજયની દિશામાં ધકેલી દીધી હતી. સ્પિનર્સ માર્ક વૉટે ૧૨ રનમાં ત્રણ અને માઇકલ લીસ્કે ૧૫ રનમાં બે વિકેટ લીધી હતી. જોકે વેસ્ટ ઇન્ડીઝને નામોશી અપાવવામાં સ્કૉટિશ પેસ બોલર્સ બ્રાડ વ્હીલે (૩૨ રનમાં બે) શરૂઆતમાં બ્રેકથ્રૂ અપાવ્યા પછી રિટર્ન સ્પેલમાં પણ કૅરિબિયનોની ખબર લીધી હતી. તેના તેમ જ જૉશ ડેવી (૩૪ રનમાં એક) અને સાફયાન શરીફ (૨૩ રનમાં એક)નાં પણ મહત્ત્વનાં યોગદાન હતાં. જ્યૉર્જ મન્સીએ ઓપનર કાઇલ માયર્સનો કૅચ પકડ્યો હતો. અણનમ ૬૬ રનથી સ્કૉટલૅન્ડની જીતનો પાયો નાખનાર મન્સીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

sports news sports cricket news t20 world cup