ડબલ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ આઉટ, આયરલૅન્ડ બીજી વાર સુપર રાઉન્ડમાં

22 October, 2022 04:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટી૨૦ વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાં બિગેસ્ટ અપસેટ : ડેલનીની ત્રણ વિકેટ, સ્ટર્લિંગના અણનમ ૬૬ રન

કૅપ્ટન પડ્યો અને મૅચ પછી રડ્યો : વેસ્ટ ઇન્ડીઝનો કૅપ્ટન-વિકેટકીપર નિકોલસ પૂરન ફક્ત ૧૩ રન બનાવી શક્યો હતો. પોતાની ટીમ હાર્યા પછી પૂરનની આંખમાં આંસુ આવી ગયાં હતાં. વેસ્ટ ઇન્ડીઝ ફર્સ્ટ રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર થઈ ગયું અને એ પણ આયરલૅન્ડ જેવી પોતાનાથી ઊતરતી ટીમ સામે તેની નામોશી થઈ. (તસવીર : એ.એફ.પી.)

ઑસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં ગઈ કાલે આખો દિવસ વરસાદ પડવાનો હતો, પરંતુ એને બદલે આખો દિવસ આયરલૅન્ડે ટી૨૦ વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ કરવા બદલ સેલિબ્રેશન કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ એકમાત્ર દેશ છે જે ટી૨૦માં બે વખત (૨૦૧૨માં, ૨૦૧૬માં) વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, પરંતુ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝનો ફર્સ્ટ રાઉન્ડની અંતિમ મૅચમાં આયરલૅન્ડ સામે ૯ વિકેટના તોતિંગ માર્જિનથી પરાજય થતાં કૅરિબિયનો સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયા હતા અને આયરલૅન્ડે ૨૦૦૯ પછી બીજી વાર વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડ (સુપર રાઉન્ડ)માં પ્રવેશ કર્યો હતો. આયરલૅન્ડ હવે આઇસીસીનું ફુલ મેમ્બર છે અને વર્લ્ડ કપમાં પ્રવેશવાની પૂરેપૂરી લાયકાત ધરાવે છે.

૨૦૦૯ના વર્લ્ડ કપમાં ટોચની ૮ ટીમ (સુપર-૮ રાઉન્ડ) મુખ્ય વર્લ્ડ કપમાં રમી હતી. આ વખતે ટોચની ૧૨ ટીમ આજથી સુપર-12 રાઉન્ડમાં રમશે અને આયરલૅન્ડે એમાં એન્ટ્રી કરી છે, 
જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમની નાલેશી થઈ છે.

સ્ટર્લિંગનો સુપર પર્ફોર્મન્સ
ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝની ટીમ બ્રેન્ડન કિંગના અણનમ ૬૨ રનની મદદથી પાંચ વિકેટે ૧૪૬ રન બનાવી શકી હતી. આયરલૅન્ડના લેગ-સ્પિનર ગારેથ ડેલનીએ ત્રણ તેમ જ ભારતીય મૂળના ઑફ-સ્પિનર સિમી સિંહ અને બેરી મૅકકાર્થીએ એક-એક વિકેટ લીધી હતી. ડબલ ટ્રોફી ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝે ૭૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ આયરલૅન્ડે બહુ સારો આરંભ કર્યો હતો. એણે ૭૩ રનમાં એક વિકેટ ગુમાવી હતી. આયરલૅન્ડની બૅટિંગમાં અનુભવી ઓપનર પૉલ સ્ટર્લિંગ (૬૬ અણનમ, ૪૮ બૉલ, બે સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને કૅપ્ટન ઍન્ડી બૉલબર્ની (૩૭ રન, ૨૩ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ૭૩ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થયા બાદ સ્ટર્લિંગ અને વિકેટકીપર લૉર્કેન ટકર (૪૫ અણનમ, ૩૫ બૉલ, બે સિક્સર, બે ફોર)ની ૭૭ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. આયરલૅન્ડે ૧૭.૩ ઓવરમાં એક વિકેટે ૧૫૦ રન બનાવીને યાદગાર વિજય મેળવ્યો હતો. ૧૬ રનમાં ત્રણ વિકેટ લેનાર ડેલનીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આયરિશો બધી બાબતમાં ચડિયાતા : સિમન્સ

વેસ્ટ ઇન્ડીઝના કોચ ફિલ સિમન્સ ગઈ કાલે ઘણા નિરાશ હતા. તેઓ પોતાની ટીમથી ખૂબ નારાજ પણ હતા. તેમણે મૅચ પછી કહ્યું કે ‘અમે શરૂઆતમાં સારી બૅટિંગ કર્યા પછી એ આરંભ 
જાળવી ન શક્યા. બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં આયરલૅન્ડની ટીમ અમારાથી ચડિયાતી પુરવાર થઈ. અમારા બૅટર્સે પોતે શું ભૂલો કરી એના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.’

7
આયરલૅન્ડનો કુલ આટલામો ક્રિકેટ વર્લ્ડ કપ છે.

64
આયરલૅન્ડના બૅટર્સે આટલા રન પાવરપ્લેમાં બનાવ્યા હતા.

કૅરિબિયન કૅપ્ટન પૂરનના છેલ્લી ૮ ઇનિંગ્સમાં કેટલા રન?

રન (બૉલ)    કોની સામે?
૧૩ (૧૧)    આયરલૅન્ડ
૭ (૯)    ઝિમ્બાબ્વે
૫ (૯)    સ્કૉટલૅન્ડ
૨ (૩)    ઑસ્ટ્રેલિયા
૨ (૫)    ઑસ્ટ્રેલિયા
૧ (૪)    ન્યુ ઝીલૅન્ડ
૧૫ (૮)    ન્યુ ઝીલૅન્ડ
૩ (૬)    ભારત

આજે કઈ મૅચ?

ઑસ્ટ્રેલિયા v/s ન્યુ ઝીલૅન્ડ
સિડની, બપોરે ૧૨.૩૦ વાગ્યાથી

ઇંગ્લૅન્ડ v/s અફઘાનિસ્તાન
પર્થ, બપોરે ૪.૩૦ વાગ્યાથી

આવતી કાલે કઈ મૅચ?

શ્રીલંકા v/s આયરલૅન્ડ
હોબાર્ટ, સવારે ૯.૩૦ વાગ્યાથી

ભારત v/s પાકિસ્તાન
મેલબર્ન, બપોરે ૧.૩૦ વાગ્યાથી

sports sports news cricket news t20 world cup west indies ireland