ઇંગ્લૅન્ડ એક જ અરસામાં ક્રિકેટનાં બન્ને ફૉર્મેટમાં ચૅમ્પિયન બનેલો પહેલો જ દેશ

14 November, 2022 01:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સૅમ કરૅન અને બેન સ્ટોક્સના સુપર્બ પર્ફોર્મન્સને લીધે પાકિસ્તાનનું સપનું રોળાયું

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના જીતની ઉજવણી

ઇંગ્લૅન્ડના ગોલ્ડન જનરેશનના ક્રિકેટરોએ ગઈ કાલે મેલબર્નમાં પાકિસ્તાનના જોશીલા ખેલાડીઓની ટીમને ફાઇનલમાં હરાવીને ઇંગ્લૅન્ડને ટી૨૦ વર્લ્ડ કપની બીજી ટ્રોફી અપાવી હતી. ૨૦૧૦માં પૉલ કૉલિંગવુડના સુકાનમાં ઇંગ્લૅન્ડ પહેલી વાર આ ટુર્નામેન્ટ જીત્યું હતું અને ગઈ કાલે જૉસ બટલરની કૅપ્ટન્સીમાં બ્રિટિશરો ફરી ટી૨૦ના ચૅમ્પિયન બન્યા. વાસ્તવમાં આ તેમની ઐતિહાસિક જીત એ માટે છે કે હાલમાં તેઓ વન-ડેના પણ વિશ્વવિજેતા છે એટલે એક જ અરસામાં વન-ડે તથા ટી૨૦ એમ બન્નેમાં ચૅમ્પિયન બનેલો ઇંગ્લૅન્ડ પહેલો દેશ છે.
સદ્નસીબે, મેઘરાજાએ ગઈ કાલે (આગાહી છતાં) પરેશાન નહોતા કર્યા અને સરળતાપૂવર્ક મૅચ પૂરી થઈ હતી.

સ્ટોક્સ બૅટિંગમાં, સૅમ બોલિંગમાં હીરો

ફાઇનલ-સ્પેશ્યલિસ્ટ સ્ટોક્સ
સ્ટોક્સ ફાઇનલમાં વિજય અપાવવા માટે પ્રખ્યાત છે. તેણે ૨૦૧૯માં ઇંગ્લૅન્ડને વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે જિતાડ્યા બાદ હવે ટી૨૦ની ટ્રોફી પણ અપાવી.

ઇંગ્લૅન્ડે ૧૩૮ રનનો લક્ષ્યાંક ૧૯ ઓવરમાં પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ૬ બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને મેળવેલા આ વિજયમાં બૅટર્સમાં ખાસ કરીને બેન સ્ટોક્સ (બાવન અણનમ, ૪૯ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. એ પહેલાં પાકિસ્તાનને ૨૦ ઓવરમાં બનેલા ૧૩૭/૮ના સ્કોર સુધી સીમિત રખાવવામાં પેસ બોલર સૅમ કરૅન (૪-૦-૧૨-૩)ની સૌથી મોટી ભૂમિકા હતી. તેણે ઇનિંગ્સની પાંચમી ઓવરમાં મોહમ્મદ રિઝવાન (૧૪ બૉલમાં ૧૫ રન)ને આઉટ કર્યો ત્યારે જ ઇંગ્લૅન્ડની ૫૦ ટકા જીત લખાઈ ગઈ હતી. તેણે શાન મસૂદ (૨૮ બૉલમાં ૩૮) અને નવાઝ (૭ બૉલમાં ૫ રન)ની વિકેટ પણ લીધી હતી.

પાકિસ્તાનના ઓપનર્સ રિઝવાન અને કૅપ્ટન બાબર આઝમ (૨૮ બૉલમાં ૩૨) સ્પિનર આદિલ રાશિદના બૉલમાં તેના જ હાથે કૅચઆઉટ થતાં સુપર જોડીનો આ બીજો ખેલાડી પણ આઉટ થતાં પાકિસ્તાનના નીચા સ્કોર વિશેની અટકળો થવા લાગી હતી. ઇફ્તિખાર અહમદ (૦) અને શાદાબ ખાન (૧૪ બૉલમાં ૨૦) પણ સસ્તામાં આઉટ થતાં ઇંગ્લૅન્ડની ઓપનિંગ જોડી કેવું રમશે એની ચર્ચાએ જોર પકડ્યું હતું. સૅમની ત્રણ ઉપરાંત જૉર્ડને બે, આદિલે પણ બે અને સ્ટોક્સે એક વિકેટ લીધી હતી.

બટલર-હેલ્સની જોડી પણ ફેલ

ભારત સામે ૧૦ વિકેટે ઇંગ્લૅન્ડને જિતાડનાર બટલર (૨૬ રન, ૧૭ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને ઍલેક્સ હેલ્સ (૧ રન)ની જોડી ગઈ કાલે ફક્ત ૭ રન બનાવીને તૂટી ગઈ ત્યાર બાદ પાકિસ્તાની બોલર્સ એનો ફાયદો નહોતા લઈ શક્યા અને બેન સ્ટોક્સ ઉપરાંત હૅરી બ્રુક (૨૩ બૉલમાં ૨૦ રન) તેમ જ ખાસ કરીને મોઇન અલી (૧૨ બૉલમાં ત્રણ ફોરની મદદથી ૧૯ રન)નાં પણ વિજયમાં મહત્ત્વનાં યોગદાન હતાં. પાકિસ્તાનના બોલર્સમાંથી હૅરિસ રઉફે બે તેમ જ ફક્ત ૨.૧ ઓવર કરીને ઈજા પામેલા શાહીન આફ્રિદી, વસીમ અને શાદાબે એક-એક વિકેટ લીધી હતી. નસીમ શાહ અને ઇફ્તિખારને વિકેટ નહોતી મળી.

બન્ને અવૉર્ડ સૅમ કરૅનને અપાયા

ઑલરાઉન્ડર સૅમ કરૅન ગઈ કાલે મૅન ઑફ ધ ફાઇનલ ઉપરાંત મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીત્યો હતો.

સેલિબ્રેશન વિથ ફૅમિલી : પત્ની લુઇઝી અને બન્ને પુત્રીઓ સાથે વિજયના મૂડમાં જૉસ બટલર. ૨૦૧૭માં બટલર અને લુઇઝીએ લગ્ન કર્યાં હતાં.

મોટો જંગ જીતવાનું કોઈ સ્ટોક્સ પાસેથી શીખે : માઇકલ વૉન

સચિન તેન્ડુલકર, ક્રિકેટ-લેજન્ડ

બીજી વખત ટી૨૦ વર્લ્ડ કપ જીતવા બદલ ઇંગ્લૅન્ડને અભિનંદન. ફાઇનલ રસાકસીભરી રહી હતી. જો શાહીન આફ્રિદી ઈજાગ્રસ્ત ન થયો હોત તો વધુ મજા પડી જાત. વર્લ્ડ કપમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો.

શાહીદ આફ્રિદી, પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન

અમે ખરાબ રમ્યા, અમે સ્ટ્રાઇક રોટેટ ન કરી શક્યા. પિચ બોલરોને યારી આપે એવી હતી છતાં વારંવાર સિંગલ રન પણ ન લઈ શક્યા. ૨૫ રન ઓછા પડ્યા, અન્યથા ઇંગ્લૅન્ડની ટીમને જીતવા ન દેત.

સઈદ અજમલ, પાકિસ્તાનનો ભૂતપૂર્વ સ્પિનર

વિશ્વમાં સૌથી સારું બોલિંગ-આક્રમણ અમારી પાસે છે જે અમે સાબિત કર્યું. ઇંગ્લૅન્ડને જીતવા માટેના ૧૩૮ રનના લક્ષ્યાંક સામે બીજી કોઈ ટીમ હોત તો ૧૫ ઓવરમાં જ મૅચ પૂરી થઈ ગઈ હોત.

માઇકલ વૉન, ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન

ઇંગ્લૅન્ડ વાઇટ બૉલ ક્રિકેટની વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે. તેમની પાસે ઘણા સારા ખેલાડીઓ છે એથી જ તેઓ બન્ને વર્લ્ડ કપ જીતી શક્યા છે. મોટી મૅચમાં કઈ રીતે જીતી શકાય એ બેન સ્ટૉક્સ જાણે છે. 

વસીમ અકરમ, દિગ્ગજ બોલર

પાકિસ્તાનના બૅટર્સે ખરાબ પ્રદર્શન કર્યું. જો આપણે ૧૫૦ રન પણ બનાવ્યા હોત તો આ મૅચ જીતી શક્યા હોત.

મોહમ્મદ આમિર, પાકિસ્તાનનો ભૂતપૂર્વ બોલર

પાકિસ્તાન ફાઇનલ આવ્યું એ જ મોટી વાત હતી. આખી ટુર્નામેન્ટમાં આપણા બૅટર્સ સંઘર્ષ કરી રહ્યા હતા. મોહમ્મદ હૅરિસ જે રીતે રાશિદના બૉલમાં આઉટ થયો એ બહુ ખરાબ થયું. તેણે કૅપ્ટન સાથે થોડી પાર્ટનરશિપ કરવાની જરૂર હતી. 

સલિમ મલિક, પાકિસ્તાનનો ભૂતપૂર્વ બૅટર

લિઆમ લિવિંગસ્ટન અને આદિલ રાશિદ સામે પાકિસ્તાનના ખેલાડીઓ જે રીતે રમ્યા એ જોઈને ઘણું દુઃખ થયું. આપણે તો સ્પિનર સામે રમતા જ આવીએ છીએ. આપણે જાણે સ્પિનર સામે ઝઝૂમતા ઇંગ્લૅન્ડના ખેલાડીઓ હોઈએ એવું લાગતું હતું. બાબર રાશિદની ગૂગલીને સમજી ન શક્યો એ વાત ગળે ઊતરે એવી નથી.

હર્ષા ભોગલે, ક્રિકેટ કૉમેન્ટેટર

મૉર્ગન ઇંગ્લૅન્ડની ટીમમાં જે પ્રકારની ક્રાન્તિ લાવ્યો હતો એ આજે પણ એટલી જ જીવંત અને મજબૂત છે. વાઇટ બૉલની ઇંગ્લૅન્ડ શ્રેષ્ઠ ટીમ છે. 

‍કોચ મૅથ્યુ મૉટની મેલબર્નમાં બીજી મિજબાની

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-કોચ મૅથ્યુ મૉટના કોચિંગમાં ગઈ કાલે મેલબર્નમાં ઇંગ્લૅન્ડની મેન્સ ટીમે પાકિસ્તાનને હરાવીને ટી૨૦ વર્લ્ડ કપ જીતી લીધો ત્યારે ખુદ મૉટે ટ્રોફી સાથે સેલિબ્રેશન કર્યું હતું (જમણે). ૨૦૨૦માં મેલબર્નમાં જ મૉટના કોચિંગમાં ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે ટી૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. ત્યારે ઑસ્ટ્રેલિયન મહિલા ટીમે ફાઇનલમાં ભારતને ૮૫ રનથી હરાવ્યું હતું. ત્યારે મૉટે મહિલા ખેલાડીઓ સાથે અને ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો (ડાબે).

sports news sports cricket news t20 world cup