મલાન અને ઇંગ્લૅન્ડની ટીમ બની ટી૨૦ રૅન્કિંગમાં નંબર-વન

03 December, 2020 02:09 PM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

મલાન અને ઇંગ્લૅન્ડની ટીમ બની ટી૨૦ રૅન્કિંગમાં નંબર-વન

ડેવિડ મલાન

સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી૨૦માં જબરદસ્ત પ્રદર્શન કરનાર ડેવિડ મલાન આઇસીસી ટી૨૦ રૅન્કિંગમાં પહેલા ક્રમે પહોંચી ગયો છે. તેનું રેટિંગ ૯૧૫ થયું છે. સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝમાં તેણે કુલ ૧૭૩ રન બનાવ્યા હતા. જુલાઈ ૨૦૧૮માં છેલ્લે ઇંગ્લૅન્ડના ઍરોન ફિન્ચે આ રેટિંગમાં ૯૦૦નો આંકડો પાર કર્યો હતો. ત્યાર બાદ આ આંક પાર કરનારો તે પહેલો ઇંગ્લિશ પ્લેયર બન્યો છે. આ યાદીમાં બીજા ક્રમે પાકિસ્તાનનો વિરાટ કોહલી કહેવાતો બાબર આઝમ છે જેનું રેટિંગ ૮૭૧ છે. ઍરોન ફિન્ચ ૮૩૫ રેટિંગ સાથે ત્રીજા ક્રમે, જ્યારે લોકેશ રાહુલ ૮૨૪ રેટિંગ સાથે ચોથા ક્રમે છે.

ટી૨૦ ક્રિકેટમાં બોલરોની યાદીમાં ઇંગ્લૅન્ડનો આદિલ રાશિદ ત્રણ ક્રમનો ઉછાળો મારી ૭૦૦ રેટિંગ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે.

સામા પક્ષે સાઉથ આફ્રિકાને ટી૨૦માં ક્લિનસ્વીપ આપ્યા બાદ આઇસીસી ટી૨૦ રૅન્કિંગમાં ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયાને પછાડીને પહેલા ક્રમે પહોંચી ગઈ છે. રેટિંગ પ્રમાણે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ૨૭૫ રેટિંગ સાથે સમકક્ષ છે, પણ પૉઇન્ટના આધારે ઇંગ્લૅન્ડ આગળ છે. અંગ્રેજ ટીમના નામે ૬૮૭૭ પૉઇન્ટ્સ છે, જ્યારે કાંગારૂ ટીમના ૬૦૪૭ પૉઇન્ટ્સ છે. ભારત આ યાદીમાં ૯૩૧૯ પૉઇન્ટ્સ અને ૨૬૬ના રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે. આ યાદીમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.

sports sports news cricket news