બૉલ પર થૂંક લગાડવા પર કાયમી પ્રતિબંધ, બૅટર માટે પિચ પર મૂવમેન્ટ મર્યાદિત, બોલરને બૅટર તરફ બૉલ ફેંકવાની મનાઈ

21 September, 2022 11:58 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

આઇસીસીએ વર્લ્ડ કપથી અમલી બનનારા બીજા અનેક નિયમોની કરી જાહેરાત : વન-ડેમાં પણ સ્લો ઓવર-રેટનો નિયમ આવ્યો

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ મૅચ દરમ્યાન કોઈ પણ ખેલાડી દ્વારા બૉલને ચમકાવવા એના પર થૂંક લગાડવાની જે કામચલાઉ ધોરણે મનાઈ કરતો નિયમ બે વર્ષથી (કોવિડકાળથી) લાગુ કર્યો છે એને ગઈ કાલે કાયમી બનાવી દીધો હતો.

સૌરવ ગાંગુલીના અધ્યક્ષસ્થાન હેઠળની મેન્સ ક્રિકેટ કમિટીએ કરેલી ભલામણોને ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીએ મંજૂરી આપી ત્યાર બાદ આઇસીસીએ ‘પ્લેઇંગ કન્ડિશન્સ’ (મેન્સ તથા વિમેન્સ ક્રિકેટ માટેના)માંના ફેરફારો જાહેર કર્યા છે જે આગામી ૧ ઑક્ટોબરથી અમલી બનશે. આવતા મહિને ટી૨૦ વર્લ્ડ કપ રમાશે અને એમાં મુખ્ય ફેરફાર લાગુ પડશે.

આઇસીસીના નિયમોની નામાવલિ

(૧) ક્રિકેટરો હવેથી બૉલને ચમકાવવા કે બીજા કોઈ કારણસર બૉલ પર થૂંક નહીં લગાડી શકે. આ કામચલાઉ નિયમ હવે કાયમી બનાવવામાં આવ્યો છે.

(૨) ટી૨૦ માટેનો સ્લો ઓવર-રેટનો નિયમ વન-ડેમાં પણ લાગુ પડશે. નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી કરવી પડશે, નહીં તો ‘પેનલ્ટી’ લાગશે. ઉદાહરણ તરીકે જો કોઈ ટીમે નિર્ધારિત સમયમાં ૫૦ને બદલે ૪૮ ઓવર પૂરી કરી હશે તો એ ટીમ છેલ્લી બે ઓવરમાં ૩૦ યાર્ડના સર્કલની બહાર પાંચને બદલે ચાર જ ફીલ્ડર ઊભા રાખી શકશે. આ નિયમ આવતા વર્ષે ઓડીઆઇ સુપર લીગ પછી અમલી બનશે.

(૩) બૅટરે પિચ પર જ રહેવું પડશે. પિચની બહારની તેની (તેના શરીરની કે તેના બૅટની) મૂવમેન્ટ નહીં ચલાવી લેવાય. નહીં તો એ બૉલને ડેડ-બૉલ ડિક્લેર કરાશે. જો કોઈ બૉલમાં બૅટરને શૉટ મારવા માટે પિચની બહાર જવાની ફરજ પડશે તો એ બૉલને ‘ડેડ-બૉલ’ જાહેર કરવામાં આવશે.

(૪) બોલર બૉલ ફેંકવા આવી રહ્યો હોય ત્યારે કોઈ ફીલ્ડર જાણીજોઈને પોતાના સ્થાનેથી મૂવમેન્ટ કરશે તો અમ્પાયર બૅટિંગ-સાઇડને પાંચ પેનલ્ટી રન આપશે. એ ઉપરાંત, એ બૉલને ‘ડેડ-બૉલ’ પણ જાહેર કરશે.

(૫) બોલર બૉલ ફેંકે એ પહેલાં નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પરનો બૅટર પિચ છોડીને દોડવા માંડશે અને જો એ સ્થિતિમાં બોલર એ બૅટરને રનઆઉટ કરી દેશે તો (‘માંકડિંગ’ તરીકે ઓળખાતી આ સ્થિતિ) એ હવેથી ‘અનફેર પ્લે’ તરીકે નહીં, બલકે ‘રનઆઉટ’ તરીકે ગણાશે.

(૬) બોલર રન-અપ પરથી આવ્યા બાદ ડિલિવરી પૂરી કરતાં પહેલાં જો સ્ટ્રાઇકર્સ-એન્ડ પરના બૅટરને રનઆઉટ કરવાના ઇરાદાથી તેની તરફ બૉલ ફેંકે તો એ નહીં ચલાવી લેવાય. અગાઉ એવું હતું કે જો બૉલ ફેંકાય એ પહેલાં જ બૅટર શૉટ મારવાના ઇરાદાથી ક્રીઝની બહાર આવી જતો ત્યારે બોલર તેની તરફ બૉલ ફેંકી શકતો હતો. હવે બોલર આવું કરશે તો તેનો એ ડેડ-બૉલ ગણાશે.

(૭) જો કોઈ બૅટર કૅચઆઉટ થાય (બન્ને બૅટર્સ કૅચ પકડાતાં પહેલાં ક્રૉસ થઈ ગયા હોય તો પણ) તો નવા આવનાર બૅટરે કૅચઆઉટ થનાર બૅટરના છેડે જ જવું પડશે.

(૮) ટેસ્ટ તથા વન-ડેમાં બૅટિંગ કરવા ઊતરનારા નવા બૅટરે બે મિનિટની અંદર સ્ટ્રાઇક લેવા તૈયાર થઈ જવું પડશે. ટી૨૦માં હજી ૯૦ સેકન્ડનો જ નિયમ લાગુ છે.

sports sports news cricket news international cricket council