18 February, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉમ બ્રુસને આઉટ કર્યા પછી અનોખી ઉજવણી કરી નેપાલના ફાસ્ટ બોલર સોમપાલ કામીએ
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ગ્રુપ Cની ટીમ સ્કૉટલૅન્ડને હરાવીને ૧૨ વર્ષ બાદ નેપાલની ટીમે પોતાની T20 વર્લ્ડ કપ જીત નોંધાવી હતી. T20 વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમની બે જીત વચ્ચેના સૌથી મોટા અંતર ૪૩૫૨ દિવસનો રેકૉર્ડ નેપાલે નોંધાવ્યો હતો. સતત ૩ હાર બાદ પહેલી જીત નોંધાવી નેપાલે વર્તમાન વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો સુખદ અંત કર્યો છે.
અગાઉ નેપાલને ૨૦૧૪માં હૉન્ગકૉન્ગ અને અફઘાનિસ્તાન સામે જ વર્લ્ડ કપ જીત મળી હતી. ઓવરઑલ ગઈ કાલે આ ટીમને ત્રીજી જીત મળી હતી. નેપાલ ૨૦૧૪, ૨૦૨૪ અને ૨૦૨૬માં T20 વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયું હતું .
ઓપનર માઇકલ જૉન્સે ૪૫ બૉલમાં ૮ ફોર અને ૩ સિક્સની મદદથી ૭૧ રનની ઇનિંગ્સ રમીને સ્કૉટલૅન્ડનો સ્કોર ૧૭૦/૭ કર્યો હતો. નેપાલના ફાસ્ટ બોલર્સ સોમપાલ કામીએ ૩ વિકેટ અને નંદન યાદવે બે વિકેટ ઝડપી હતી.
રન-ચેઝ દરમ્યાન નેપાલના ચોથા ક્રમના બૅટર દીપેન્દ્ર સિંહ એરીએ ૨૩ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સ ફટકારી ૫૦ રનની અણનમ મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ઓપનર્સ કુશલ ભુરતેલે ૪૩ રન અને આસિફ શેખે ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. સ્કૉટલૅન્ડના સ્પિનર માઇકલ લિસ્કે ૩૦ રન આપીને નેપાલની ત્રણેય વિકેટ લીધી હતી.