17 February, 2026 10:24 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડ માટે ફિફ્ટી ફટકારવાની સાથે એક વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો વિલ જૅક્સ
કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને ઇટલી વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી ટક્કર T20 વર્લ્ડ કપની મૅચ દરમ્યાન થઈ હતી. નેપાલની જેમ ઇટલીએ પણ શાનદાર રન-ચેઝ કરવાનો પ્રયત્ન કર્યો, પણ અંતિમ ઓવર્સમાં અનુભવ ઓછો પડતાં સફળતા ન મળી શકી. નેપાલ સામેની પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડ માંડ-માંડ ૪ રને જીત્યું હતું. ઇંગ્લૅન્ડે વિલ જૅક્સની ફિફ્ટીના આધારે ૭ વિકેટ ગુમાવીને ૨૦૨ રન કર્યા હતા. જવાબમાં ઇટલીની ટીમે ૨૦ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૧૭૮ રન કર્યા હતા.
૧૦.૩ ઓવરમાં ઇંગ્લૅન્ડે ૯૨ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. સાતમા ક્રમે રમી રહેલા વિલ જૅક્સે ૨૪૦.૯૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ટીમને શાનદાર કમબૅક કરાવી આપ્યું હતું. વિલ જૅક્સે ૩ ફોર અને ૪ સિક્સના આધારે બાવીસ બૉલમાં ૫૩ રન ફટકાર્યા હતા. ટૉમ બેન્ટને ૩૦, સૅમ કરૅને પચીસ અને જૅકબ બેથલે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. ઇટલીના સ્પિનર ક્રિશન કલુગમેજે અને ફાસ્ટ બોલર ગ્રાન્ટ સ્ટુઅર્ટને ૨-૨ સફળતા મળી હતી.
રન ચેઝ કરવા ઊતરેલી ઇટલીની ટીમ સામે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે પહેલી જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. ઓપનર જસ્ટિન મૉસ્કાએ ૩૪ બૉલમાં ૭ ફોરની મદદથી ૪૩ રન કરીને ટીમને રન-ચેઝ માટે પ્રોત્સાહિત કરી હતી. પાંચમા ક્રમે ઊતરીને બેન મેનેન્ટીએ ૨૪૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪ ફોર અને ૬ સિક્સના આધારે પચીસ બૉલમાં ૬૦ રન ફટકાર્યા હતા. છઠ્ઠા ક્રમે રમી રહેલા ગ્રાન્ટ સ્ટુઅર્ટે બે ફોર અને પાંચ સિક્સની મદદથી ૨૩ બૉલમાં ૪૫ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડ તરફથી જેમી ઓવરટન અને સૅમ કરૅને સૌથી વધુ ૩-૩ વિકેટ લીધી હતી. આદિલ રશિદ અને વિલ જૅક્સને પણ ૧-૧ સફળતા મળી હતી.
ઇટલીની રન-ચેઝ દરમ્યાન ઇંગ્લૅન્ડના સ્પિનર આદિલ રશિદે અઢારમી ઓવરમાં ૨૧ રન આપી દીધા હતા. ઓગણીસમી ઓવરમાં સૅમ કરૅને એક વિકેટ લઈને માત્ર પાંચ રન આપ્યા હતા, જ્યારે વીસમી ઓવરમાં ફાસ્ટ બોલર જેમી ઓવરટને એકેય રન આપ્યા વગર બે વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ૧૬ વર્ષ બાદ વીસમી ઓવર મેઇડન રહી હતી. ૨૦૧૦માં પાકિસ્તાનના બોલર મોહમ્મદ આમિરે ઑસ્ટ્રેલિયા સામે ૩ વિકેટ લઈને પહેલી વખત વીસમી ઓવર મેઇડન ફેંકી હતી.
ઇંગ્લૅન્ડે ગઈ કાલે ૨૦૦૭ અને ૨૦૧૬ બાદ T20 વર્લ્ડ કપમાં પોતાનો ત્રીજો ૨૦૦+નો સ્કોર કર્યો હતો. આ સાથે જ વર્તમાન સીઝન T20 વર્લ્ડ કપની સૌથી વધુ ૭ વખત ૨૦૦+ના સ્કોરવાળી સીઝન બની હતી. ૨૦૦૭માં પાંચ વખત જ્યારે ૨૦૧૬ અને ૨૦૨૪માં ૪-૪ વખત ૨૦૦+નો સ્કોર થયો હતો.