ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય સરકારે નહીં, ખેલાડીઓ અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડે લીધો

12 February, 2026 10:22 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

આસિફ નઝરુલે હવે કહ્યું કે, T20 વર્લ્ડ કપમાં ન રમવાનો કોઈ અફસોસ નથી

બંગલાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે સ્પોર્ટ્‌સ સલાહકાર આસિફ નઝરુલની ફાઇલ તસવીર

બંગલાદેશના સ્પોર્ટ્‌સ સલાહકાર આસિફ નઝરુલ તરફથી ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતમાં બંગલાદેશી ટીમને સુરક્ષાની ચિંતા હોવાથી વર્લ્ડ કપમાં રમવાનો નિર્ણય સરકાર લેશે એવી વાત કરનાર આસિફ નઝરુલે મોટો યુ-ટર્ન લીધો છે.

આસિફ નઝરુલે હવે કહ્યું કે ‘T20 વર્લ્ડ કપમાં ન રમવાનો કોઈ અફસોસ નથી. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે દેશના ક્રિકેટ, લોકોની સલામતી અને દેશના સન્માનની રક્ષા માટે બલિદાન આપ્યું છે.’

બંગલાદેશ-પાકિસ્તાન અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચે લાહોરમાં થયેલી મીટિંગ વિશે વાત કરતાં આસિફ નઝરુલે કહ્યું હતું કે ‘ICCએ કહ્યું છે કે વર્લ્ડ કપમાં ન રમવા મુદ્દે અમારા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. બંગલાદેશને નજીકના ભવિષ્યમાં ICC ટુર્નામેન્ટની યજમાની આપવા પર વિચાર કરવામાં આવશે. આ એક મોટી સિદ્ધિ છે. હું બંગલાદેશ ક્રિકેટ બોર્ડને સલામ કરું છું.’ 

t20 world cup international cricket council world cup bangladesh pakistan india cricket news sports sports news