14 February, 2026 08:03 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
ઝિમ્બાબ્વેના મીડિયમ પેસ બોલર બ્રેડ ઇવાન્સે ૨૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી
ગઈ કાલે કોલંબોમાં સવારની મૅચ દરમ્યાન ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવીને મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો અપસેટ સરજ્યો હતો. ૬૧ રનની મજબૂત ઓપનિંગ ભાગીદારી બાદ ઝિમ્બાબ્વેએ માત્ર બે વિકેટ ગુમાવીને ૧૬૯ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ટ્રૅવિસ હેડના નેતૃત્વ હેઠળની ઑસ્ટ્રેલિયાની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૪૬ રન કરીને ઑલઆઉટ થઈ હતી.
સપ્ટેમ્બર ૨૦૦૭માં બન્ને વચ્ચે પહેલી T20 ટક્કર T20 વર્લ્ડ કપ દરમ્યાન થઈ હતી. એ મૅચમાં ઝિમ્બાબ્વેએ ૧૩૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે જીત નોંધાવી હતી. ગઈ કાલે બન્ને વચ્ચે ૧૮ વર્ષ બાદ T20 વર્લ્ડ કપ મૅચ રમાઈ હતી. T20 વર્લ્ડ કપમાં ૧૦૦ ટકા જીતનો રેકૉર્ડ ધરાવનાર ઝિમ્બાબ્વે એકમાત્ર ટીમ છે.
ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટે ૫૬ બૉલમાં ૭ ફોરની મદદથી ૬૪ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તદીવાનશે મારુમણી અને રયાન બર્લે ૩૫-૩૫ રનનું યોગદાન આપ્યું હતું. કૅપ્ટન સિકંદર રઝાએ બે ફોર અને ૧ સિક્સની મદદથી ૧૩ બૉલમાં નૉટઆઉટ રહીને પચીસ રન ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને કૅમરન ગ્રીને ૧-૧ વિકેટ મેળવી હતી.
રન ચેઝ દરમ્યાન ઑસ્ટ્રેલિયાએ પહેલી ૪ વિકેટ ૪.૩ ઓવરમાં ૨૯ રનમાં ગુમાવી હતી. જ્યારે અંતિમ ૪ વિકેટ ૧૬ રનની અંદર ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયા માટે છઠ્ઠા ક્રમે રમી મેટ રેનશૉએ ૪૪ બૉલમાં પાંચ ફોર, ૧ સિક્સના આધારે સૌથી વધુ ૬૫ રન કર્યા હતા. એના સિવાય સ્ટૅન્ડ ઇન-કૅપ્ટન ટ્રૅવિસ હેડ ૧૭ રન અને ગ્લેન મૅક્સવેલ ૩૧ રનનું યોગદાન આપી શક્યા હતા. ઝિમ્બાબ્વેના મુખ્ય પેસ બોલર બ્લેસિંગ મુઝરબાનીએ ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી જ્યારે મીડિયમ પેસ બોલર બ્રેડ ઇવાન્સે ૨૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.
4/17
T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે માટે અને ઑસ્ટ્રેલિયા સામે પેસ બોલર તરીકે આવું બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કરનાર બોલર બન્યો બ્લેસિંગ મુઝરબાની.
100
આટલી T20 વિકેટ ઝિમ્બાબ્વે માટે લેનાર ત્રીજો બોલર બન્યો બ્લેસિંગ મુઝરબાની.
ઝિમ્બાબ્વે ઑસ્ટ્રેલિયા સામે ૩૩ વન-ડે મૅચમાંથી ૩ મૅચ જીત્યું છે. પહેલી જીત ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ૧૩ રને, બીજી જીત ૨૦૧૪માં ત્રિકોણીય સિરીઝમાં ૩ વિકેટે અને ત્રીજી જીત ૨૦૨૨ની દ્વિપક્ષીય સિરીઝમાં ૩ વિકેટે મેળવી હતી. T20ની ૪ ટક્કરમાંથી ઝિમ્બાબ્વેએ આ હરીફ સામે માત્ર બીજી જીત મેળવી છે. આ બન્ને ટીમ વર્લ્ડ કપમાં આવી છે. T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ફુલ મેમ્બર નેશનની ટીમો વચ્ચે માત્ર આયરલૅન્ડ અને પાકિસ્તાનને ૨૦૨૨માં માત આપી હતી.
ઝિમ્બાબ્વે, ઑસ્ટ્રેલિયા અને ભારતની ટીમને લગતી એક રસપ્રદ માહિતી સામે આવી છે. જ્યારે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે એ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ટાઇટલ જીતી છે. ૧૯૮૩ના વન-ડે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ઑસ્ટ્રેલિયા ૧૩ રને હાર્યું હતું. એ વર્લ્ડ કપ કપિલ દેવ ઍન્ડ કંપનીએ જીત્યો હતો. ૨૦૦૭માં ઑસ્ટ્રેલિયા ઝિમ્બાબ્વે સામે T20 વર્લ્ડ કપની મૅચમાં પાંચ વિકેટે હાર્યું ત્યારે ધોની ઍન્ડ કંપનીએ પહેલો T20 વર્લ્ડ કપ પોતાને નામે કર્યો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં પણ કાંગારૂઓની કારમી હારને કારણે સોશ્યલ મીડિયા પર સૂર્યા ઍન્ડ કંપની જ ચૅમ્પિયન બનશે એવાં અનુમાન લગાડવામાં આવી રહ્યાં છે.