20 February, 2025 07:15 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનનો સ્ટાર ખેલાડી ફિલ્ડિંગ દરમિયાન થયો ઘાયલ (તસવીર: સોશિયલ મીડિયા)
પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરી 2025થી ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની શરૂઆત થઈ ગઈ છે. બુધવારે ટુર્નામેન્ટની પહેલી મૅચ યજમાન પાકિસ્તાન અને ન્યૂઝી લૅન્ડ વચ્ચે રમાઈ રહી છે. મૅચમાં પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેનો નિર્ણય અસરકારક સાબિત થયો નહીં. ન્યૂઝી લૅન્ડના ઑપનિંગ બૅટ્સમૅનોએ ટીમ માટે મજબૂત શરૂઆત કરી હતી. ન્યૂઝી લૅન્ડની સારી શરૂઆત સાથે પાકિસ્તાનને એક મોટો આંચકો લાગ્યો છે, કારણ કે જે ખેલાડી પર ટીમને સંપૂર્ણ વિશ્વાસ હતો, તેને ફિલ્ડિંગ દરમિયાન મોટી ઈજા થઈ હતી. આ ખેલાડી ઈજાગ્રસ્ત થવાથી પાકિસ્તાની ટીમને ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો છે.
થયું એમ કે મૅચની પહેલી ઇનિંગના બીજા બૉલ પર શાહીન આફ્રિદી, જે ઇનિંગની પહેલી ઓવર નાખવા આવ્યો હતો, કિવી ઓપનર વિલ યંગે મિડ-ઑફ તરફ શોટ મારીને ખેલાડીઓ વચ્ચેનો ગૅપ શોધી કાઢ્યો. શોટમાં બહુ પાવર નહોતી. આવી સ્થિતિમાં, બૉલને બાઉન્ડ્રી લાઇન સુધી પહોંચવામાં સમય લાગશે તે નિશ્ચિત હતું. આ દરમિયાન પાકિસ્તાની ટીમનો ખેલાડી ફખર ઝમાન બૉલને બાઉન્ડ્રી તરફ જતાં રોકવા માટે ખૂબ દૂર દોડ્યો અને સ્લાઇડ કરીને બૉલને રોક્યો, પરંતુ આ દરમિયાન તે ઘાયલ થઈ ગયો.
ફખર ઝમાને પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધારી
ફખર ઝમાનને સૈમ અયુબના સ્થાને ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટૅસ્ટ સિરીઝ દરમિયાન સૈમ અયુબ ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં, ફખર ઝમાન ટીમ માટે મુખ્ય ઓપનિંગ બૅટ્સમૅન તરીકે પાકિસ્તાન તરફથી મેદાનમાં ઉતારવાનો હતો, પરંતુ ફિલ્ડિંગ દરમિયાન તેની ઈજા કૅપ્ટન રિઝવાન અને આખી માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
ફખર ઝમાન છેલ્લી ઘણી મૅચથી શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જેને લીધે ઈજા થતાં તે તરત જ મેદાનની બહાર નીકળી ગયો. આ સાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજમૅન્ટે તેને મેદાનની બહાર તેનું ચેકઅપ કર્યું. કારણ કે આ મોટી ICC ટુર્નામેન્ટમાં, પાકિસ્તાની ટીમ ફખર ઝમાનને લઈને કોઈ જોખમ લેવા માગતી નથી.
ન્યૂઝી લૅન્ડનો સ્ટાર ખેલાડી રચીન રવિન્દ્ર પણ પાકિસ્તાન સામે પ્રેક્ટિસ મૅચ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે અપડેટ આપ્યા હતા કે ‘માથામાં થયેલી ઇજાને કારણે થોડા ટાંકા લેવા પડ્યા છે, તે હવે ઠીક છે. તેનું નિરીક્ષણ ચાલુ રહેશે, પરંતુ તે ટુર્નામેન્ટની પહેલી મૅચ રમી શકશે નહીં. પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ના ૧૦ દિવસ પહેલાં રચિન રવીન્દ્ર ઇન્જર્ડ પ્લેયર્સના લિસ્ટમાં સામેલ થયો હતો.