વિરાટ આ દસકાનો બેસ્ટ ક્રિકેટર

29 December, 2020 03:12 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

વિરાટ આ દસકાનો બેસ્ટ ક્રિકેટર

આઇસીસીએ ગઈ કાલે જાહેર કરેલા ક્રિકેટ અવૉર્ડ્સમાં ભારતીય કૅપ્ટન સૌથી મોટા બહુમાન ઉપરાંત બેસ્ટ વન-ડે પ્લેયર પણ જાહેર થયો: ધોનીને મળ્યો સ્પિરિટ ઑફ ક્રિકેટ અવૉર્ડ્સ, સ્ટીવ સ્મિથ ટેસ્ટનો અને અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટી૨૦નો બેસ્ટ પ્લેયર

ઇન્ટરનૅશનલન ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ રવિવારે દસકાના બેસ્ટ પ્લેયરની વાઇટ બૉલ અને ટેસ્ટ-ટીમની જાહેરાત બાદ ગઈ કાલે દસકાના દરેક ફૉર્મેટના બેસ્ટ ખેલાડીની જાહેરાત કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. પાંચમાંથી ત્રણ અવૉર્ડ્સ ભારતના નામે રહ્યા હતા. રવિવારે આ દસકાની બેસ્ટ ટેસ્ટનો કૅપ્ટન જાહેર થનાર વિરાટ કોહલીને ગઈ કાલે આ દસકાના બેસ્ટ પુરુષ ક્રિકેટ માટેનો સર ગારફીલ્ડ સોબર્સ મેલ ક્રિકેટર ઑફ ધ ડેકેડ (૨૦૧૧થી ૨૦૨૦) અને વન-ડે પ્લેયર ઑફ ધ ડેકેડના અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રવિવારે વન-ડે અને ટી૨૦ ટીમના કૅપ્ટન જાહેર થનાર મહેન્દ્ર સિંહ ધોનીને સ્પિરિટ ઑફ ક્રિકેટ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

સર ગારફીલ્ડ સોબર્સ મેલ ક્રિકેટર ઑફ ધ ડેકેડ વન-ડે પ્લેયર ઑફ ધ ડેકેડ: વિરાટ કોહલી

વિરાટ કોહલીએ ૨૦૧૧થી ૨૦૨૦ દરમ્યાન ટેસ્ટ, વન-ડે અને ટી૨૦માં કુલ ૨૦,૩૯૬ રન બનાવ્યા છે. આ દરમ્યાન તેણે ૭૭ સેન્ચુરી અને ૯૪ હાફ સેન્ચુરી ફટકારી છે. કોહલીએ આ રન ૫૬.૯૭ની ઍવરેજથી બનાવ્યા હતા. કોહલી ૨૦૧૧માં વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમમાં પણ હતો. કોહલીએ ફક્ત વન-ડેમાં ૬૧.૮૩ની ઍવરેજથી ૩૯ સેન્ચુરી અને ૪૮ હાફ સેન્ચુરી સાથે ૧૦,૦૦૦થી વધુ રન બનાવ્યા છે. આ દરમ્યાન તેણે ૧૧૨ કૅચ પડ પકડ્યા છે.

સ્પિરિટ ઑફ ધ ક્રિકેટ - મહેન્દ્ર સિંહ ધોની

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન-કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને આઇસીસી સ્પિરિટ ઑફ ક્રિકે અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ધોનીએ ૨૦૧૧માં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ઇયાન બેલ રનઆઉટ થયો હોવા છતાં તેને મેદાનમાં પાછો બોલાવ્યો હતો. ચાહકોએ ધોનીની દિલેરી બદલ સ્પિરિટ ઑફ ક્રિકેટ અવૉર્ડ માટે પસંદગી કરી છે.

ટેસ્ટ પ્લેયર ઑફ ધ ડેકેડ - સ્ટીવન સ્મિથ

ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ૨૦૧૧થી ૨૦૨૦ દરમ્યાન ૬૫.૭૯ની એવરેજ તેમ જ ૨૬ સેન્ચુરી અને ૨૮ હાફ સેન્ચુરી સાથે ૭૦૪૦ રન બનાવ્યા છે. આ દરમ્યાન તેની એવરેજ હાલના ટાપ ૫૦ બૅટ્સમેનોમાં સૌથી વધુ છે.

ટી૨૦ ક્રિકેટર ઑફ ડેકેડ - રાશિદ ખાન

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને ૨૦૧૧થી ૨૦૨૦ના દસકા દરમ્યાન સૌથી વધુ ૮૯ વિકેટ લીધી છે. તેણે એક મૅચમાં ચાર વિકેટ લેવાની કમાલ ત્રણ વાર અને પાંચ વિકેટની કમાલ બે વાર કરી છે.

sports sports news cricket news virat kohli mahendra singh dhoni ms dhoni