લૉકડાઉન પછી કમબૅક કરીશ ત્યારે હું સારી પૉઝિશનમાં હોઈશ: વિરાટ કોહલી

07 May, 2020 02:18 PM IST  |  Mumbai | Agencies

લૉકડાઉન પછી કમબૅક કરીશ ત્યારે હું સારી પૉઝિશનમાં હોઈશ: વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલીનું કહેવું છે કે તે લૉકડાઉન બાદ જ્યારે પણ કમબૅક કરશે ત્યારે સારી પૉઝિશનમાં હશે. વિરાટ કોહલીએ હાલમાં જ સ્ટાર સ્પોર્ટ્સ સાથે એક એપિસોડ માટે ચર્ચા કરી હતી. આ એપિસોડને શનિવાર અને રવિવારે બે પાર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ સ્ટારની અન્ય ચૅનલ પર પણ એનું રિપીટ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોનાં શૂટિંગ દરમ્યાન વિરાટ કોહલીએ તેના રૂટિન વિશે ચર્ચા કરી હતી. લૉકડાઉનને વધુ બે અઠવાડિયાં લંબાવવામાં આવતાં તે કેવી રીતે દિવસો પસાર કરી રહ્યો છે એ વિશે વાત કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘હું મારી જાતને પૉઝિટિવ અને ખુશ રાખવાની કોશિશ કરું છું. હું લાઇફમાં આગળ શું કરવાનું છે એ વિશે વિચારી રહ્યો છું જેથી કરીને હું જ્યારે પણ કમબૅક કરું ત્યારે સારી પૉઝિશનમાં હોઉં. અમે જ્યાંથી ગેમ છોડી હતી ત્યાંથી જ સારી રીતે ફોર્મમાં આવીશું.’

પુજારાની મજાક ઉડાવી કોહલીએ

વિરાટ કોહલીએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક ફોટો અપલોડ કરીને ચેતેશ્વર પુજારાની મસ્તી કરી હતી. ૨૦૧૮-’૧૯માં ચાર ટેસ્ટ મૅચની શ્રેણીમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામે ૨-૧ની ઐતિહાસિક જીત મેળવી હતી. આ શ્રેણીમાંની બીજી મૅચ પર્થમાં રમાઈ હતી અને એના પહેલા દિવસે પીટર હેન્ડ્સકોમને વિરાટ કોહલીએ સેકન્ડ સ્લીપ પર કેચ પકડીને આઉટ કર્યો હતો. જોકે એક હાથે ડ્રાઇવ કરીને કેચ પકડ્યો હોવાથી કોહલી ઘણો ખેંચાઈ ગયો હતો અને આ જ ફોટો અપલોડ કરીને તેણે પુજારાને કહ્યું હતું કે લૉકડાઉન બાદ પહેલું સેશન આવું રહેશે, ચેતેશ્વર પુજારા. આશા રાખું છું કે તું બૉલ પકડવા માટે જશે પુજ્જી.’

વૉર્નરે જણાવી તેની અને કોહલી વચ્ચેની સામ્યતા

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પ્લેયર ડેવિડ વૉર્નરે તાજેતરમાં તેની અને વિરાટ કોહલી વચ્ચેની સામ્યતા જણાવી છે અને કહ્યું છે કે બન્ને પ્લેયર પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિશે વધુ જણાવતાં ડેવિડ વૉર્નરે કહ્યું કે ‘હું વિરાટ વિશે વાત કરી શકતો નથી, પણ અમારા બન્નેમાં એક વાત સરખી છે કે અમે જ્યારે મેદાનમાં ઊતરીએ છીએ ત્યારે અમે લોકોને ખોટા સાબિત કરવા માગીએ છીએ. જો તમે સ્પર્ધામાં હો તો હા હું એમ વિચારીશ કે હું આના કરતાં વધારે રન કરીશ અને જલદીથી સિંગલ રન લઈશ. ટૂંકમાં સામેવાળા પ્લેયર કરતાં પોતે સારી ગેમ રમવાનો પ્રયત્ન કરશો અને એને કારણે જ ગેમ પ્રત્યેનું પૅશન સામે આવશે. સ્વાભાવિક છે કે તમે ગેમ જીતવા માટે રમો છો. જો વિરાટ કરતાં હું વધારે રન બનાવું અથવા પુજારા સ્મિથ કરતાં વધારે રન બનાવે ત્યારે ગેમમાં સ્પર્ધા જોવા મળે છે. જો આ સ્પર્ધા નહીં હોય તો ગેમ જિતાશે નહીં. હું હંમેશાં બે વાતોનું ખાસ ધ્યાન રાખું છું. પહેલી, મારે જીતવું છે અને બીજી, સામેવાળા પ્લેયર કરતાં મારે વધારે સારું રમવું છે.’

virat kohli cricket news sports news