તક મળે તો ૧૦૦ ટકા આપવાનું નક્કી કરીને જ હું આવ્યો હતો: અક્ષર પટેલ

27 February, 2021 12:40 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

તક મળે તો ૧૦૦ ટકા આપવાનું નક્કી કરીને જ હું આવ્યો હતો: અક્ષર પટેલ

અક્ષર પટેલ

ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મૅચમાં શાનદાર પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ બનેલા અક્ષર પટેલે પોતાના પ્રદર્શનથી સૌકોઈનાં મન જીતી લીધાં હતાં. મૅચ બાદ હાર્દિક પંડ્યા સાથે વાત કરતાં અક્ષરે કહ્યું હતું કે જ્યારે હું ટીમમાંથી બહાર હતો ત્યારે કોઈ પણ નકારાત્મક વિચાર કર્યા વગર ફક્ત પોતાને વધુ બહેતર કરવા પર જ ધ્યાન આપતો હતો અને યોગ્ય તકની રાહ જોતો રહેતો હતો.

ત્રીજી ટેસ્ટમાં અક્ષરની ૧૧ વિકેટના પર્ફોર્મન્સને લીધે ભારતીય ટીમ બીજા જ દિવસે જીત મેળવીને સિરીઝમાં ૨-૧થી લીડ લઈ શકી હતી અને જૂનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે દાવેદારી ઑલમોસ્ટ કન્ફર્મ કરી લીધી હતી.

અક્ષર ટીમ ઇન્ડિયા વતી ઑલરેડી બે વન-ડે અને ૧૧ ટી૨૦ રમી ચૂક્યો છે, પણ આ સિરીઝમાં ટેસ્ટ ડેબ્યુ કરતાં પહેલાં તે ફેબ્રુઆરી ૨૦૧૮માં સાઉથ આફ્રિકા સામે ટી૨૦ રમ્યા બાદ ટીમમાંથી બહાર હતો. ઇન્જરીને લીધે અક્ષર પહેલી ટેસ્ટમાં નહોતો રમી શક્યો, પણ બીજી ટેસ્ટમાં મોકો મળતાં તેણે પહેલી ઇનિંગ્સમાં બે અને બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લઈને પટેલ-પાવર બતાવ્યો હતો. જ્યારે ત્રીજી અને તેની બીજી ટેસ્ટમાં કુલ ૧૧ વિકેટ લઈને ખળભળાટ મચાવી દીધો હતો.

સારું પ્રદર્શન કર્યા છતાં ટીમમાંથી હતો બહાર

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ હાર્દિક અને અક્ષરની વાતચીતનો એક વિડિયો પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યો હતો, જેમાં પોતાની તૈયારી સંદર્ભે હાર્દિક સાથે વાત કરતાં અક્ષરે કહ્યું કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી હું ટીમમાંથી બહાર હતો ત્યારે એ દરેક વાત પર ધ્યાન આપતો હતો જેના પર મારે કામ કરવાનું હતું. અનેક લોકો મને પૂછતા કે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ઇન્ડિયા- ‘એ’માં સારું પર્ફોર્મ કર્યા છતાં તું કેમ ટીમની બહાર છે અને શા માટે સિલેક્ટ નથી થઈ રહ્યો. ખરી રીતે હું પોતાને પણ આ જ પ્રશ્ન કરતો હતો, પણ સાથે-સાથે હું એ પણ વિચારતો કે હું મારા માટે આવનારી તકની રાહ જોઈશ અને જ્યારે મને તક મળશે ત્યારે મારું ૧૦૦ ટકા આપીશ. મારા પરિવાર અને મિત્રવર્તુળ (હાર્દિક પંડ્યા સહિત)એ મને શીખવાડ્યું કે મુસીબતનો સામનો કઈ રીતે કરવો.’

‘અક્ષર અક્ષર’નો પોકાર આવકાર્ય

લોકલ બૉય અક્ષર પટેલના અફલાતૂન પર્ફોર્મન્સને લીધે સ્ટેડિયમમાં તેના નામના પોકાર થઈ રહ્યા હતા એ વખતના અનુભવને વર્ણવતાં આ યુવા સ્પિનરે કહ્યું કે ‘મને એ ઘણું ગમ્યું. આ મારી માત્ર બીજી અને મોટેરામાં પહેલી ટેસ્ટ હતી. જ્યારે પ્રેક્ષકો ‘અક્ષર અક્ષર’ના નામની બૂમ પાડતા હતા ત્યારે મને એ ઘણું ગમતું હતું. જ્યારે લોકલ ક્રાઉડ તમારા માટે ચિયર્સ કરે અને ખાસ કરીને ત્યારે જ્યારે તમારો પરિવાર સ્ટૅન્ડમાં બેઠો હોય ત્યારે ઘણું સારું લાગે છે.’

sports sports news cricket news axar patel