આ બિન્દાસ ટીમ પર મને સુપર ગર્વ છે: રવિ શાસ્ત્રી

15 May, 2021 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયાનાં વખાણ કરતાં હેડ-કોચ રવિ શાસ્ત્રીએ દૃઢ સંકલ્પ અને અતૂટ એકાગ્રતા બદલ ટીમ ઇન્ડિયાને નંબર વનને લાયક ગણાવી

રવિ શાસ્ત્રી

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને આડે હવે માત્ર એક મહિનો બાકી છે અને એ પહેલાં ગુરુવારે ભારતીય ટીમે આઇસીસી દ્વારા અપડેટ રૅન્કિંગ્સમાં નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું હતું અને મોટા ભાગે નંબર-વન તરીકે જ એ ફાઇનલમાં મેદાનમાં ઊતરશે. આવતા મહિને ઇંગ્લૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડ કમાલ કરે તો ભારતને પછાડીને એ નંબર-વન પર ગોઠવાઈ શકે છે. 

જોકે ટીમ રૅન્કિંગ્સ અપડેટમાં નંબર-વનનું સ્થાન જાળવી રાખતાં હેડ-કોચ રવિ શાસ્ત્રીએ ટીમને અભિનંદન આપતાં ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે વિરાટસેના આ સ્થાનને લાયક છે. શાસ્ત્રીએ આ બાબતે ટ્વીટ કર્યું હતું કે ‘ભારતીય ટીમે આ નંબર-વનનો તાજ હાંસલ કરવા માટે દૃઢ સંકલ્પ અને જબરી એકાગ્રતા બતાવી છે. એ જે મળ્યું છે એ છોકરાઓએ તેમની મહેનતના દમ પર હાંસલ કર્યું છે. અધવચ્ચે નિયમો બદલાયા પણ તેમણે રસ્તામાં આવેલા બધા અવરોધને પાર કરી લીધા હતા. મારા છોકરાઓ મુશ્કેલ સમયમાં પણ મજબૂત રમત રમ્યા. આ બિન્દાસ ટીમ પર મને સુપર ગર્વ છે.’

cricket news sports news sports ravi shastri team india