06 February, 2023 02:26 PM IST | Mumbai | Jane Borges
જુહુમાં જેવીપીડી ગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ દરમ્યાન ફાસ્ટ બોલર હર્લી ગાલા (ડાબે). તેના પપ્પા તન્મય ગાલા અને મમ્મી ભાવિકાબહેન જુહુમાં તેમના ઘરની નજીક પુત્રીના બૅટ સાથે પોઝ આપ્યો હતો (જમણે). તસવીર અનુરાગ આહિરે\ સમીર માર્કન્ડે
તાજેતરના ગર્લ્સ અન્ડર-૧૯ ટી૨૦ના સૌપ્રથમ વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ સાથે ભારતીય મહિલા ક્રિકેટનો સૂરજ ઉગ્યો છે. વિમેન્સ ક્રિકેટમાં સિલસિલાબંધ ‘સિતારા’ ચમકવા લાગ્યા છે. મોટા ભાગના ‘સ્ટાર્સ’ એટલે કે ટૅલન્ટેડ ગર્લ્સ અન્ડર-૧૯ ખેલાડીઓ ભારતનું નામ રોશન કરી રહી છે. મહિલા ક્રિકેટરો માટેની સૌપ્રથમ આઇપીએલ જે વિમેન્સ આઇપીએલ એટલે કે ડબ્લ્યુપીએલ તરીકે ઓળખાશે, એનું પ્લેયર્સ ઑક્શન આ અઠવાડિયે યોજાશે જેને માટે ખાસ કરીને આપણી નવયુવાન અને ઉત્સાહિત વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓ એકદમ તૈયાર છે. પુરુષોના સંપૂર્ણ વર્ચસવાળી ક્રિકેટની રમતમાં હવે ગર્લ્સ અને વિમેન્સ પગદંડો જમાવવા લાગી છે.
ભારતીય વિમેન્સ ક્રિકેટમાં ચમકી રહેલી તેમ જ આશાસ્પદ મુંબઈની ખેલાડીઓ વિશે થોડું જાણીએ. ધારાવીમાં રહેતી સિમરન શેખ નવેમ્બરમાં સિનિયર વિમેન્સ ટી૨૦ ચૅલેન્જર ટ્રોફીમાં ઇન્ડિયા ‘સી’ ટીમ વતી રમી હતી. ૨૧ વર્ષની સિમરન બૅટર છે અને નાનપણમાં ગલી-ક્રિકેટ ખૂબ રમી છે અને તેણે ઘણા કાચ તોડ્યા છે. બાવીસ વર્ષની લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવ આગામી શુક્રવાર, ૧૦ ફેબ્રુઆરીએ શરૂ થનારા આઇસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં છે. તેના પપ્પા ઓમપ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના છે અને ૩૦ વર્ષથી કાંદિવલીના મહાવીરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. મુંબઈની બાવીસ વર્ષની જેમાઇમા પણ ભારતીય ટીમની મહત્ત્વની ટૉપ-ઑર્ડર બૅટર છે.
૧૬ વર્ષની હર્લી તન્મય ગાલા મુંબઈમાંથી ભારતીય મહિલા ક્રિકેટને મળી રહેલી ટૅલન્ટેડ ઑલરાઉન્ડર છે. ૨૦૨૨ની ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સુપરસ્ટાર હર્લી ગાલામાં મહિલા ક્રિકેટની ફાસ્ટેસ્ટ બોલર બનવાની ક્ષમતા છે એવું તેના કોચ અને ભારતની મુખ્ય વિમેન્સ ટીમની ખેલાડી જેમાઇમા રૉડ્રિગ્સના પપ્પા ઇવાન રૉડ્રિગ્સનું માનવું છે. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી ગાલા તાજેતરમાં રમાયેલા ગર્લ્સ ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં મુંબઈમાંથી સિલેક્ટ થયેલી એકમાત્ર ખેલાડી હતી. જોકે હાથના જમણા અંગૂઠામાં ઈજા થતાં એ ટુર્નામેન્ટમાં તે નહોતી રમી શકી. એ વખતે હર્લીના પપ્પા તન્મય ગાલા તેની સાથે જ હતા. અમે તેમને તાજેતરમાં જુહુ ચર્ચ રોડ વિસ્તાર કે જ્યાં હર્લી ક્રિકેટ રમતાં શીખી હતી ત્યાં તેમને અને તેમની પત્ની ભાવિકા ગાલાને મળ્યા હતા. પુત્રીની વર્લ્ડ કપની ઘટના વિશે તન્મયભાઈ થોડા ભાવુક થતાં બોલ્યા, ‘હર્લી નિરાશ થઈ હતી, પરંતુ તેણે એ આઘાતને પચાવી લીધો છે, મન પર વધુ હાવિ નથી થવા દીધો અને ભવિષ્ય તરફ મીટ માંડી છે.’
વાગડ વીસા ઓસવાળ જૈન પરિવારમાં જન્મેલી હર્લીએ નાનપણમાં તેના બિલ્ડિંગમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેનાં મમ્મી ભાવિકાબેન હોમમેકર છે. તેઓ ‘મિડ-ડે’ને કહે છે કે ‘હર્લી બહુ નાની હતી ત્યારથી ક્રિકેટ રમે છે. સ્વિમિંગ હોય કે ટ્રૅક ઍન્ડ ફીલ્ડની હરીફાઈ, તે દરેકમાં સારું જ પર્ફોર્મ કરતી હતી અને ગોલ્ડ મેડલ લઈને જ ઘરે પાછી આવતી.’ ઉત્પલ સંઘવી ગ્લોબલ સ્કૂલમાં ભણેલી હર્લી સ્કેટિંગમાં પણ ચૅમ્પ હતી. આઠ વર્ષની ઉંમર સુધીમાં તે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક ભાગ લઈ ચૂકી હતી. તેના પપ્પા તન્મય ગાલા જેઓ કેબલ અને ઇન્ટરનેટના બિઝનેસમાં છે, તેઓ પુત્રી વિશે કહે છે કે ‘ડાબા પગમાં સોજો શરૂ થયા પછી તેણે સ્કેટિંગ છોડી દેવું પડ્યું હતું. જોકે એ જ અરસામાં તે ક્રિકેટની રમતમાં ચમકવા લાગી હતી. એક રિક્રીએશનલ ટુર્નામેન્ટમાં તેનો સુપર્બ પર્ફોર્મન્સ જોતાં મને લાગ્યું કે મારે તેને પ્રોફેશનલી ટ્રેઇનિંગ અપાવવી જોઈએ. ૨૦૧૭માં અમારી નજીકના વિસ્તારમાં પ્રાઇવેટ ગ્રાઉન્ડની માલિકી ધરાવતા વિશાલ કારિયા નામના મારા મિત્ર જેમાઇમાના પિતા ઇવાન રૉડ્રિગ્સને એક સ્પોર્ટ્સ સ્ટોરમાં મળ્યા ત્યારે હર્લી વિશેની વાત કરી હતી તેમ જ જેમાઇમાને તેમના મેદાન પર તાલીમ આપવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઇવાન થોડા દિવસમાં આવ્યા અને નજરોનજર હર્લીનો પર્ફોર્મન્સ જોયો અને પ્રભાવિત થઈને તેને પોતાના કોચિંગ હેઠળ લઈ લીધી હતી.’ ત્યાર પછી હર્લી ક્રિકેટમાં એક પછી એક સફળતાની સીડી ચડતી ગઈ અને ગર્લ્સ અન્ડર-૧૯ વર્લ્ડ કપ માટેની ટીમમાં સિલેક્ટ થઈ હતી. તેની સફળતામાં ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’નું પણ મોટું યોગદાન છે.
હર્લી ગાલા ભારતીય ટીમની બૅટર જેમાઇમા રૉડ્રિગ્સના પિતા ઇવાન રૉડ્રિગ્સ પાસે તાલીમ લઈ રહી છે. તસવીર અનુરાગ આહિરે