‘ધ વૉલ’ દ્રવિડ મળ્યો સ્પિન-સમ્રાટ બેદીને

13 June, 2022 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેદીની તબિયત એક સ્ટ્રોકને કારણે થોડા દિવસથી સારી નથી રહેતી

રાહુલ દ્રવિડ દિલ્હીમાં બિશનસિંહ બેદીને મળવા ગયો હતો (તસવીર : નેહા બેદી - ટ્વિટર)

તાજેતરમાં ભારતીય ક્રિકેટના સ્પિન-કિંગ બિશનસિંહ બેદી થોડા દિવસ માટે પાટનગર દિલ્હીમાં તેમના નિવાસસ્થાને હતા અને એ જ અરસામાં દિલ્હીમાં ભારતની સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી૨૦ મૅચ હતી એટલે ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ રાહુલ દ્રવિડ પણ ત્યાં હતો. ‘ધ વૉલ’ તરીકે જાણીતો ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડ આમ તો રિષભ પંત ઍન્ડ કંપનીને કોચિંગ આપવામાં બિઝી હતો, પણ તેને ખબર પડી કે સ્પિન-સમ્રાટ બેદી દિલ્હીમાં જ છે એટલે તેમને મળવા તેણે થોડો સમય કાઢવાનો નિર્ણય લીધો હતો.

બેદીની તબિયત એક સ્ટ્રોકને કારણે થોડા દિવસથી સારી નથી રહેતી. જોકે તેમના કેટલાક મિત્રો કહે છે કે બેદીસાહેબની તબિયત હવે સુધારા પર છે. દ્રવિડને આ વાતની જાણ થઈ એટલે તે ‘સરદાર ઑફ સ્પિન’ને મળવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયો અને તેમની સાથે ઘણી વાતો કરી હતી. બેદીનાં પુત્રી નેહાએ ટ્વિટર પર મૂકેલી આ તસવીરમાં આ બે મહાન ક્રિકેટરોની પાછળ અનેક પુસ્તકો જોઈ શકાય છે. એવું લાગે છે કે બેદીસાહેબે એમાંનાં મોટા ભાગનાં પુસ્તકો વાંચી નાખ્યાં હશે. નેહા બેદીએ ટ્વીટમાં લખ્યું કે ‘ ક્રિકેટના બે અલગ યુગના આ બે લેજન્ડ્સ વચ્ચે થઈ મુલાકાત! બેમિસાલ!’ બેદીસાહેબ જેવા સ્પષ્ટવક્તા બીજા કોઈ નથી એટલે આપણે આશા રાખીએ કે તેઓ ફરી સાજા થઈને પોતાના સુંદર વિચાર પ્રગટ કરવા ટ્વિટર પર કમબૅક કરશે.

sports sports news cricket news rahul dravid