08 December, 2025 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં રીહૅબ દરમ્યાનના શુભમન ગિલના ફોટો થયા વાઇરલ
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ઇન્જરીમાંથી વાપસી કરી રહેલા શુભમન ગિલ વિશે સૌરવ ગાંગુલીએ મોટી કમેન્ટ કરી છે. તેણે કહ્યું હતું કે ‘કલકત્તા ટેસ્ટ-મૅચ દરમ્યાન કોઈએ મને પૂછ્યું હતું કે શું તમને લાગે છે કે શુભમન ગિલ T20 કૅપ્ટન હોવો જોઈએ? મેં તેને જવાબ આપ્યો હતો કે તે દરેક ફૉર્મેટનો કૅપ્ટન હોવો જોઈએ, કારણ કે તે ખૂબ જ સારો છે.
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે ‘કોહલી-રોહિત વગર ૩ મહિના પહેલાં તેને લડવા માટે એક યુવા ટીમ મળી હતી અને તે ઇંગ્લૅન્ડમાં બૅટિંગ અને કૅપ્ટન્સીમાં સોનાની જેમ ચમક્યો હતો. જ્યારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય (કૅપ્ટન્સી સોંપવાનો નિર્ણય) લેવાય છે ત્યારે તમારે ધીરજ રાખવી પડશે, તમારે કોઈને વધુ સારું થવા દેવું પડશે.’ શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટમાં કૅપ્ટન હોવા ઉપરાંત T20 ટીમનો વાઇસ કૅપ્ટન છે.
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે કટકના બારામતી સ્ટેડિયમની વચ્ચેથી પોતાનો ફોટો શૅર કર્યો હતો. ૯ ડિસેમ્બરથી ઓડિશાના કટકમાં શરૂ થનારી ભારતીય T20 સ્ક્વૉડના સભ્યો અહીં પહોંચે એ પહેલાં તેણે સ્ટેડિયમમાં સોલો એટલે કે એકલા-એકલા પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. ઇન્જરીમાંથી વાપસી કરીને તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કરી હતી.