હાશિમ અમલાએ ઘરેલુ ક્રિકેટ દ્વારા મેદાન પર પાછા ફરવાનો કર્યો ઇનકાર

15 September, 2021 03:40 PM IST  |  Cape Town | Gujarati Mid-day Online Correspondent

હાશિમ અમલાએ ઓગસ્ટ ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

તસવીર સૌજન્ય : એએફપી

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર હાશિમ અમલા (Hashmi Amla)એ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરશે તેવા સમાચાર ઘણા સમયથી વહેતા થયા હતા. જોકે,  વાપસીના અહેવાલોનો અંત હાશિમ અમલાએ પોતે જવાબ આપીને લાવી દીધો છે. મંગળવારે, તેણે જાહેરાત કરી છે કે, તે ફરીથી મેદાનમાં પાછો નહીં આવે. અમલાએ વેસ્ટર્ન પ્રાંત ક્રિકેટ એસોસિએશનને તેના નિર્ણયની જાણ કરી છે. એટલે, હવે ટીમે બીજા ખેલાડીના નામની ઘોષણા કરવી પડશે.

૩૮ વર્ષીય અમલાને મૂળરૂપે ૧૬ સભ્યોની પશ્ચિમી પ્રાંતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જે દક્ષિણ આફ્રિકાના નવા ઘરેલૂ માળખામાં પ્રથમ વિભાગમાં રમશે. પશ્ચિમી પ્રાંતની ટીમના સીઈઓએ અમલાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, ‘આ અત્યંત નિરાશાજનક છે કે હાશિમ આ સિઝનમાં રમશે નહીં. તે મેદાન પર અને બહાર ટીમ માટે એક મોટી સંપત્તિ હોત, ખાસ કરીને પ્રતિભાશાળી યુવાન બેટ્સમેનોના જૂથ સાથે કામ કરવું મહત્વપૂર્ણ સાબિત થાત.’

દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાએ વષ૭ ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આવજો કહ્યું હતું. જોકે, તે ફર્સ્ટ ક્લાસ સર્કિટમાં ખૂબ જ સક્રિય હતો. તે કાઉન્ટી ક્રિકેટ પણ રમતો હતો. તેણે સરે માટે ૧૨ મેચમાં ૭૭૧ રન બનાવ્યા છે. આ સમય દરમિયાન તેની સરેરાશ ૫૧થી વધુ રહી છે. આમાં બેવડી સદીનો પણ સમાવેશ છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે, હાશિમ અમલા તે જ જોમ અને ઉત્તમ ફોર્મ સાથે ક્રિકેટ રમી રહ્યો છે. કદાચ આ કારણોસર અમલાને પશ્ચિમી પ્રાંતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોત.

આ અંગે હાશિમ અમલાએ કહ્યું કે, ‘હું સમગ્ર કરાર પ્રક્રિયા દરમિયાન પશ્ચિમ પ્રાંતનો ઓપન કમ્યુનિકેશન માટે આભાર માનું છું. મારી કારકિર્દીમાં હું ક્યાં છું અને મારા ભવિષ્યના પ્રયત્નોને આધારે મેં આ નિર્ણય લીધો છે. હું આગામી સિઝન માટે ટીમને શુભેચ્છા પાઠવું છું.’

sports sports news cricket news south africa hashim amla