13 November, 2025 10:21 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ શફાલીનું ચેક અને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું. એ ઉપરાંત તેને એક બૅટ પણ આપવામાં આવ્યું હતું.
નસીબના જોરે વિમેન્સ વન-ડે કપમાં પ્રવેશ કરીને ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બનીને છવાઈ ગયેલી શફાલી વર્માનું ગઈ કાલે હરિયાણા સરકારે સન્માન કર્યું હતું. મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની દ્વારા તેના નિવાસસ્થાને શાલ, ૧.૫૦ કરોડ રૂપિયાનો ચેક તથા ગ્રેડ A સ્પોર્ટ્સ ગ્રેડેશન સર્ટિફિકેટ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શફાલીને હરિયાણા સ્ટેટ વિમેન્સ કમિશનની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ નિયુક્ત કરવામાં આવી હતી.
છેલ્લી લીગ મૅચમાં ઓપનર પ્રતીકા રાવલ ઇન્જર્ડ થતાં શફાલીને મોકો આપવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામે ફાઇનલમાં ૮૭ રન અને બે વિકેટ સાથેના ઑલઆઉન્ડર પર્ફોર્મન્સ સાથે ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચની ટ્રોફી પણ મેળવી હતી.