T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કરનાર ફુલ મેમ્બર નેશન ટીમનો પહેલો ક્રિકેટર બન્યો હર્ષિત રાણા

02 February, 2025 08:51 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

શિવમ દુબેના સ્થાને આવીને ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટ ખેરવી નાખી

પુણેમાં ૩૩ રન આપીને ૩ વિકેટ લેનાર ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ તરખાટ મચાવ્યો હતો.

પુણેમાં ઇંગ્લૅન્ડ સામેની ચોથી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતની ઇનિંગ્સની અંતિમ ઓવરમાં ઑલરાઉન્ડર શિવમ દુબેને હેલ્મેટમાં બૉલ વાગ્યો હતો. તે બીજી ઇનિંગ્સમાં ફીલ્ડિંગ માટે અનફિટ હોવાથી ફાસ્ટ બોલર હર્ષિત રાણાને શિવમ દુબેના સ્થાને બોલિંગ સમયે મેદાન પર કન્કશન સબ્સ્ટિટ્યુટ પ્લેયર તરીકે ઉતારવામાં આવ્યો હતો. તે કન્કશન સબ્સ્ટિટ્યુટ તરીકે T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કરનાર ફુલ મેમ્બર નેશન ટીમનો પહેલો ક્રિકેટર બની ગયો છે. માઇલ્ડ બ્રેઇન-ઇન્જરીને કન્કશન કહેવાય છે, જેને લીધે મગજની કામગીરી થોડા સમય માટે ખોરવાઈ જાય છે.

ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર હર્ષિત રાણાએ T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કરવાની સાથે બીજા જ બૉલ પર વિકેટ ઝડપી હતી. આ મૅચમાં ૧૫૧ પ્રતિ કલાકની ઝડપે તેણે બોલિંગ કરીને પોતાના પપ્પાની ઇચ્છા પણ પૂરી કરી હતી. તેણે આ મૅચમાં ચાર ઓવરમાં ૩૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

ગૌતમ ગંભીરના નિર્ણયનો વિરોધ કર્યો કુક-વૉન-પીટરસને

એક ઑલરાઉન્ડરના સ્થાને ફાસ્ટ બોલરને કન્કશન સબ્સ્ટિટ્યુટ તરીકે રમાડવાના ભારતીય મૅનેજમેન્ટ અને ખાસ કરીને હેડ કોચ ગૌતમ ગંભીરના નિર્ણયનો વિરોધ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર્સે કર્યો હતો. કૉમેન્ટેટર ઍલિસ્ટર કુકે કહ્યું હતું કે ‘એક બિગ હિટર ઑલરાઉન્ડરની જગ્યાએ એવા પ્લેયરને લાવવાનો કોઈ અર્થ નથી જે બૅટિંગ કરી શકતો નથી અને ફક્ત બોલિંગ કરે છે, એ મારા માટે બિલકુલ અર્થહીન છે. આ મારી સમજથી દૂર છે. તેણે (હર્ષિત રાણા) ડેબ્યુમાં સારી બોલિંગ કરી, પણ તેને બોલિંગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ.’

માઇકલ વૉને સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘એક આઉટ ઍન્ડ આઉટ બોલર કેવી રીતે પાર્ટટાઇમ બોલિંગ કરતા બૅટ્સમૅનનું સ્થાન લઈ શકે?’

કેવિન પીટરસને પણ ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરના ગુસ્સાનો ઉલ્લેખ કરીને ભારતીય ટીમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

india england pune harshit rana shivam dube t20 t20 international cricket news indian cricket team sports news sports