૩૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર દુનિયાની પાંચમી અને ભારતની બીજી મહિલા પ્લેયર બની હરમનપ્રીત કૌર

07 May, 2024 06:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૬ રનથી જીત મેળવીને ભારતીય ટીમે બંગલાદેશ સામે ૪-૦થી લીડ મેળવી

હરમનપ્રીત કૌર

ગઈ કાલે બંગલાદેશની મહિલા ટીમ સામેની T20 સિરીઝની ચોથી મૅચમાં ડકવર્થ-લુઇસ મૅથડ હેઠળ ૫૬ રનથી જીત મેળવીને ભારતીય ટીમે પાંચ મૅચની આ સિરીઝમાં ૪-૦થી અજેય લીડ મેળવી હતી. વરસાદના વિઘ્નને કારણે મૅચ ૧૪ ઓવરની કરાઈ હતી. ભારતીય ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૨૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે બંગલાદેશની ટીમ ૭ વિકેટ ગુમાવીને ૬૮ રન બનાવી શકી હતી. પાંચ ચોગ્ગાની મદદથી ૩૯ રન ફટકારનાર ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.  ૩૫ વર્ષની હરમનપ્રીત કૌરની આ ૩૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી. તે આ સિદ્ધિ મેળવનાર દુનિયાની પાંચમી અને ભારતની બીજી મહિલા ક્રિકેટર બની છે. સૌથી વધુ ૩૩૩ મૅચ સાથે મિતાલી રાજ આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. હરમનપ્રીત કૌર ૧૫ વર્ષની કરીઅરમાં પાંચ ટેસ્ટ, ૧૩૦ વન-ડે અને ૧૬૫ T20 મૅચ રમી છે.

7

આટલા પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ સાથે સૌથી વધારે T20 ઇન્ટરનૅશનલ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતનાર ભારતીય કૅપ્ટન બની હરમનપ્રીત કૌર, રોહિત શર્મા ૬ અવૉર્ડ સાથે બીજા ક્રમે

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ મૅચ રમનાર મહિલા ક્રિકેટર્સ

 મિતાલી રાજ

૩૩૩

 સુઝી બેટ્સ

૩૧૭

 એલિસ પેરી

૩૧૪

 શાર્લોટ એડવર્ડ્‍સ

૩૦૯

 હરમનપ્રીત કૌર

૩૦૦

હરમનપ્રીત કૌરની ૩૦૦ ઇન્ટરનૅશનલ મૅચ

 ટેસ્ટ

૦૫

 વન-ડે

૧૩૦

 T20

૧૬૫

sports news sports cricket news harmanpreet kaur indian womens cricket team