20 February, 2023 12:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યાએ ગયા અઠવાડિયે પત્ની નતાશા સાથે વાઇટ-વેડિંગ કર્યાં હતાં. એ પ્રસંગે હાર્દિક મોટા ભાઈ કૃણાલ સાથે ખૂબ નાચ્યો હતો. કોવિડકાળ દરમ્યાન હાર્દિક-નતાશાએ કોર્ટ મૅરેજ કર્યાં હોવાથી હવે તેમણે ગ્રૅન્ડ સેલિબ્રેશન કર્યું હતું.
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારત વતી ૮૭માંથી ૧૧ ટી૨૦માં કૅપ્ટન્સી સફળતાથી માણી ત્યાર પછી હવે તેને વન-ડે ક્રિકેટમાં પણ નેતૃત્વ માણવાનો અનાયાસે મોકો મળી ગયો છે. ભારત આવતા મહિને ઑસ્ટ્રેલિયા સામે જે ઓડીઆઇ સિરીઝ રમવાનું છે એની ૧૭ માર્ચની વાનખેડે ખાતેની પ્રથમ મૅચમાં રોહિત શર્મા પારિવારિક કારણસર નથી રમવાનો એટલે એ મૅચની કૅપ્ટન્સીની જવાબદારી વાઇસ-કૅપ્ટન હાર્દિકને સોંપાઈ છે. હાર્દિકની એ ૭૨મી વન-ડે હશે અને એમાં તે પહેલી વાર સુકાન સંભાળશે.
જયદેવ ઉનડકટે ગઈ કાલે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રને બીજી વાર ટ્રોફી અપાવી એનો તેને તત્કાળ ફાયદો થયો. ‘રાજીનામું આપનાર’ ચીફ સિલેક્ટર ચેતન શર્મા વિનાની સિલેક્શન કમિટીએ જયદેવને વન-ડે ટીમમાં સમાવ્યો હતો. તે છેલ્લે નવેમ્બર ૨૦૧૩માં વન-ડે રમ્યો હતો. એ મૅચ કોચીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ હતી. જયદેવને રણજી ફાઇનલ માટે ગયા અઠવાડિયે ટેસ્ટ-ટીમમાંથી થોડા દિવસની રજા અપાઈ હતી, પણ હવે પાછો આવી ગયો છે. સિલેક્શન કમિટીમાં અત્યારે એસ.એસ. દાસ, સલીલ અન્કોલા, સુબ્રોતો બૅનરજી અને એસ. શરથનો સમાવેશ છે. ભારતે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખી. ત્યાર બાદ બાકીની બે ટેસ્ટ માટે જે ટીમ જાહેર કરાઈ એમાં આઉટ-ઑફ-ફૉર્મ કે. એલ. રાહુલ (ત્રણ ઇનિંગ્સમાં માત્ર ૩૮ રન)ને જાળવી તો રાખવામાં આવ્યો, પરંતુ તેની પાસેથી વાઇસ-કૅપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી છે. હવે બે ટેસ્ટમાં કોઈ વાઇસ-કૅપ્ટન નહીં હોય.
છેલ્લી બે ટેસ્ટની ટીમઃ
રોહિત શર્મા (કૅપ્ટન), કે.એલ. રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રીકાર ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.
ઓડીઆઇ સિરીઝની ટીમઃ
રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન, પ્રથમ વન-ડે માટે કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કે. એલ. રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.