હાર્દિકને ૨૦૨૪ સુધી ટી૨૦નો કૅપ્ટન બનાવી દો : શ્રીકાંત

15 November, 2022 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતના થયેલા કારમા પરાજયને લક્ષમાં રાખીને કહ્યું

કૃષ્ણમાચારી શ્રીકાંત અને હાર્દિક પંડ્યા

પહેલી વખત ૨૦૨૨ની આઇપીએલમાં કૅપ્ટન તરીકે રમીને ગુજરાત ટાઇટન્સને ઐતિહાસિક ટ્રોફી અપાવનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા શુક્રવારે ન્યુ ઝીલૅન્ડમાં શરૂ થનારી ટી૨૦ સિરીઝ માટેની ભારતની ટી૨૦ ટીમનું સુકાન સંભાળે એ પહેલાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતના થયેલા કારમા પરાજયને લક્ષમાં રાખીને કહ્યું કે ‘હું જો અત્યારે ચીફ સિલેક્ટર હોત તો મેં હાર્દિકને ૨૦૨૪ના વર્લ્ડ કપ સુધીનો ટી૨૦ ટીમનો કૅપ્ટન ઘોષિત કરી દીધો હોત અને પછી નવી ટી૨૦ ટીમ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી હોત.’

૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે અને શુક્રવારે હાર્દિકના સુકાનમાં રમનારી ટીમ બે વર્ષ પછીના વિશ્વકપ માટેની ટીમ તૈયાર કરવાની દિશામાં પ્રથમ પગલું કહેવાશે.

શ્રીકાંતનું માનવું છે કે ‘બે વર્ષ પછીના વિશ્વકપ માટે અત્યારથી ટીમ તૈયાર કરવાની પદ્ધતિ એવી હોવી જોઈએ જેમાં ટ્રાયલ્સ કરતા રહેવું જોઈએ. આ બધું એક વર્ષ સુધી ભલે ચાલે, પણ ૨૦૨૩માં એવી સ્ક્વૉડ બનાવવી જે ૨૦૨૪નો વિશ્વકપ જીતવા કાબેલ હોય. ટીમમાં દીપક હૂડા જેવા ઑલરાઉન્ડર્સ હોવા જોઈએ. બીજું, ૧૯૮૩ તેમ જ ૨૦૦૭માં અને ૨૦૧૧માં આપણે કઈ રીતે વર્લ્ડ કપ જીતી શક્યા હતા? એ બધી ટુર્નામેન્ટમાં ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર્સ અને સેમી ઑલરાઉન્ડર્સની મોટી ભૂમિકા હતી.’

બે અલગ ટીમ રાખો : કુંબલે

અનિલ કુંબલેએ ગઈ કાલે કહ્યું કે ‘ટેસ્ટ માટે તેમ જ વાઇટ બૉલ ક્રિકેટ માટે ભારતે અલગ ટીમ રાખવાની જરૂર છે. લિમિટેડ ઓવર્સ માટેની ટીમમાં ખાસ કરીને ટી૨૦ સ્પેશ્યલિસ્ટ્સ હોવા જ જોઈએ. ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયાએ અને આ વખતે ઇંગ્લૅન્ડે એ સાબિત કર્યું છે. ટીમના બૅટિંગ-ઑર્ડરને વ્યવસ્થિત રાખવાની સાથે ટીમમાં ઘણા ઑલરાઉન્ડર્સ હોવા જરૂરી છે.’

 ટી૨૦ વર્લ્ડ કપમાંથી આ શીખવા મળ્યું : પાકિસ્તાન ફક્ત બોલિંગના જોરે કપ ન જીતી શકે, ભારત માત્ર બૅટિંગના બળે કપ ન જીતી શકે. ઇંગ્લૅન્ડ પાસે સારા બૅટર્સ, સ્પિનર્સ, પેસર્સ, ફીલ્ડર્સ અને નસીબ પણ છે.
મોહમ્મદ કૈફ

sports sports news t20 world cup indian cricket team cricket news hardik pandya