ઇન્ડિયા માટે કોઈ પણ નંબરે રમવા તૈયાર વિહારી

15 February, 2020 01:25 PM IST  |  Hamilton

ઇન્ડિયા માટે કોઈ પણ નંબરે રમવા તૈયાર વિહારી

હનુમા વિહારી

હનુમા વિહારીનું કહેવું છે કે ઇન્ડિયા માટે તે કોઈ પણ નંબરે રમવા તૈયાર છે. ભારત-ન્યુ ઝીલૅન્ડની પહેલી ટેસ્ટ મૅચ શરૂ થાય એ પહેલાં ગઈ કાલે ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ રમાઈ હતી, જેમાં માત્ર ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી રમી શક્યા હતા. આ બન્ને પ્લેયરોએ અનુક્રમે ૯૩ અને ૧૦૧ રન કર્યા હતા. ૧૦૧ રન કરી હનુમા રિટાયર હર્ટ થયો હતો. 

ટીમ ઇન્ડિયા માટે વિહારી કયા નંબરે બૅટિંગ કરવા આવશે એ નક્કી નથી, પણ તેણે ટીમ માટે કોઈ પણ નંબરે આવીને રમવાની તૈયારી દાખવી છે. પ્રૅક્ટિસ મૅચ બાદ વિહારીએ કહ્યું કે ‘હું એક પ્લેયર છું અને ગમે તે નંબરે રમવા તૈયાર છું. અત્યાર સુધી મને કંઈ કહેવાયું નથી. મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે હું ટીમ માટે કોઈ પણ નંબરે રમવા તૈયાર છું.’

પ્રૅક્ટિસ મૅચમાં પૃથ્વી શૉ, શુભમન ગિલ, વૃદ્ધિમાન સહા અને રવિચંદ્રન અશ્વિન વગર ખાતું ખોલે પૅવિલિયનભેગા થયા હતા, જ્યારે મયંક અગરવાલ અને અજિંક્ય રહાણે અનુક્રમે એક અને ૧૮ રન કરીને આઉટ થયા હતા. પહેલા દિવસનો ખેલ સમાપ્ત થતાં ટીમ ઇન્ડિયા ૨૬૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

india new zealand cricket news sports news test cricket