વિહારીએ પહેલી ટેસ્ટ-સેન્ચુરી પપ્પાને કરી અર્પણ

02 September, 2019 01:36 PM IST  | 

વિહારીએ પહેલી ટેસ્ટ-સેન્ચુરી પપ્પાને કરી અર્પણ

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચમાં બીજા દિવસે ભારતના મિડલ ઑર્ડર બૅટ્સમૅન હનુમા વિહારીએ પોતાની પહેલી ટેસ્ટ-સેન્ચુરી ફટકારવામાં સફળતા મેળ‍વી હતી. તે ૨૨૫ બૉલમાં ૧૧૧ રનની પારી રમ્કયો હતો જેમાં ૧૬ ચોગ્ગા સામેલ હતા. પહેલી ટેસ્ટ-મૅચમાં વિહારી ૭ રને પહેલી ટેસ્ટ-સેન્ચુરી ચૂકી ગયો હતો. વિહારીએ આ પહેલી ટેસ્ટ-સેન્ચુરી પોતાના સ્વર્ગસ્થ પિતાને ડેડિકેટ કરી છે.

આઠમી વિકેટ માટે વિહારીએ ઇશાન્ત શર્મા સાથે મ‍ળીને ૧૧૨ રનની પાર્ટનરશિપ કરી હતી. એક બાજુ જ્યાં વિહારીએ પોતાની પહેલી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી ત્યાં બીજી બાજુ ઇશાન્તે પોતાની પહેલી ટેસ્ટ હાફ સેન્ચુરી ફટકારી હતી. વિહારીને જ્યારે તેની સેન્ચુરી અને પાર્ટનરશિપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઇશાન્તનાં વખાણ કરતાં તેણે કહ્યું કે ‘ઇશાન્ત જે પ્રમાણે બૅટિંગ કરી રહ્યો હતો એ જોતાં લાગતું હતું કે એક સારો બૅટ્સમૅન બૅટિંગ કરી રહ્યો છે. અમે બન્ને એ પછી પણ ડિસ્કસ કર્યું કે બોલરો કેવી સ્ટ્રૅટેજી વાપરી રહ્યા છે અને એની સામે આપણે કેવી ગેમ રમવાની છે. ખરું કહું તો અહીં તેનો અનુભવ કામ લાગ્યો. ટૉપ ઑર્ડર જ્યારે આઉટ થઈ ગયા હોય ત્યારે તમારે વિકેટકીપર અથવા તો બોલર સાથે બૅટિંગ કરવાની હોય છે માટે એક મિડલ ઑર્ડર બૅટ્સમૅન તરીકે તમારે વધારે ધ્યાન આપવું પડે છે.’

આ પણ વાંચો: હૅટ-ટ્રિક બદલ હું કોહલીનો આભારી છું : જસપ્રીત બુમરાહ

આ ઉપરાંત વિહારીએ કોહલી સાથેની બૅટિંગ વિશે વાત કરતાં જણાવ્યું કે ‘જ્યારે હું બૅટિંગ કરવા આવ્યો ત્યારે તે પિચ પર સારી રીતે સેટ થઈ ગયો હતો. પહેલા દિવસે જ્યારે બૅટિંગ પત્યા બાદ મને સારી રીતે ઊંઘ પણ નહોતી આવી અને મોટો સ્કોર કેવી રીતે કરવો એ વિશે જ મને વિચાર આવતા રહેતા હતા. મને ખુશી છે કે હું પહેલી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી શક્યો. મારી આ પહેલી ટેસ્ટ-સેન્ચુરી હું મારા સ્વર્ગસ્થ પિતાને ડેડિકેટ કરું છું.’

હનુમા વિહારીએ પિતાને સેન્ચુરી ડેડિકેટ કરતાં જણાવ્યું કે ‘જ્યારે હું ૧૨ વર્ષનો હતો ત્યારે મારા પિતાનું નિધન થયું હતું અને મેં નક્કી કરી રાખ્યું હતું કે જ્યારે પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હું પહેલી સેન્ચુરી ફટકારીશ ત્યારે એ હું મારા પિતાને અર્પણ કરીશ. આજે મારા માટે આ ઘણો ઇમોશનલ દિવસ છે અને મને આશા છે કે મારા પિતાને મારા પર ગર્વ હશે.’

sports news cricket news gujarati mid-day