સાઉથ આફ્રિકાનો ડિરેક્ટર ઑફ ક્રિકેટ બન્યો ગ્રેમ સ્મિથ

18 April, 2020 07:47 PM IST  |  Johannesburg | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાનો ડિરેક્ટર ઑફ ક્રિકેટ બન્યો ગ્રેમ સ્મિથ

ફાઈલ તસવીર

ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમના કૅપ્ટન ગ્રેમ સ્મિથને સાઉથ આફ્રિકાના ડિરેક્ટર ઑફ ક્રિકેટ તરીકે એપ્રિલ ૨૦૨૨ સુધી પસંદ કરવામાં આવ્યો છે. આઇપીએલની તેરમી સીઝનના અંત સુધી સ્મિથને ડિસેમ્બરના મધ્યમ ગાળામાં વચગાળાના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે આઇપીએલ હજી ક્યારે રમાશે અને રમાશે કે નહીં એ નક્કી ન હોવાથી સ્મિથનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ એક્ઝિક્યુટિવ ડૉક્ટર જૅક્સ ફૉલનું કહેવું છે કે ‘પાછલા ૬ મહિનામાં સ્મિથે પોતાના હાર્ડવર્ક, અનુભવ અને આગવી કુશળતાથી કામ કર્યું છે. અમારી ટીમ આગળના દિવસોમાં ઘણું સારું પર્ફોર્મ કરશે અને એ માટે નૅશનલ ટીમમાં તે કેટલાક સુધારા કરવાનું સૂચન પણ કરશે. સ્મિથે ટ્રાન્સફોર્મેશન માટેના અગત્યના મુદ્દાઓ જે પાયાના કહી શકાય એવા ટીમની સ્ટ્રૅટેજીમાં ઉમેર્યા છે.’

પોતાની પુનઃ નિમણૂક થતાં સ્મિથે ક્રિકેટ સાઉથ આફ્રિકાનો આભાર માન્યો છે. સ્મિથે કહ્યું કે ‘મારી આ નિમણૂક મારી પદવીના કાયમીપણામાં વધારો કરશે અને મારી યોજનાઓને યોગ્ય રૂપ આપશે. ડૉક્ટર ફૉલે કહ્યું એ પ્રમાણે હજી ઘણું કામ કરવાનું બાકી છે. માત્ર ઇન્ટરનૅશનલ લેવલ પર નહીં, સાઉથ આફ્રિકા ક્રિકેટને ફરી પાછી એની લયમાં લાવવાનું કામ કરવાનું છે.’

sports sports news cricket news south africa