ફિલિપ્સની કમાલ સાથે ન્યુ ઝીલૅન્ડે બીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝને નમાવ્યું

30 November, 2020 01:49 PM IST  |  Mount Maunganui | Gujarati Mid-day Correspondent

ફિલિપ્સની કમાલ સાથે ન્યુ ઝીલૅન્ડે બીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝને નમાવ્યું

ગ્લેન ફિલિપ્સ

ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટી૨૦માં ૭૨ રનથી શાનદાર જીત મેળવીને ૩ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી હતી. શુક્રવારે પ્રથમ ટી૨૦માં પણ કિવીઓનો પાંચ વિકેટે વિજય થયો હતો. ત્રીજી અને છેલ્લી ટી૨૦ આજે રમાશે.

ગઈ કાલની ન્યુ ઝીલૅન્ડની જીતનો હીરો હતો ૨૩ વર્ષનો વિકેટકીપર-બૅટ્સમૅન ગ્લેન ફિલિપ્સ. ફિલિપ્સે ૫૧ બૉલમાં ૮ સિક્સર અને ૧૦ ફોર સાથે ૧૦૮ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે કિવી ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૩૮ રન બનાવ્યા હતા. ફિલિપ્સને ડેવોન કોનવેનો ૩૭ બૉલમાં ચાર સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૬૫ રન સાથે યોગ્ય સાથ મળ્યો હતો. ફિલિપ્સ અને કોનવે વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૮૪ રનની પાર્ટનરશિપ પણ ન્યુ ઝીલૅન્ડ વતી ટી૨૦માં હાઇએસ્ટ પાર્ટનરશિપ બની ગઈ હતી.

જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ ૯ વિકેટે ૧૬૬ રન જ બનાવી શક્યું હતું. કોઈ કૅરિબિયન ખેલાડી મોટી ઇનિંગ્સ નહોતું રમી શક્યું. કૅપ્ટન કિરોન પોલાર્ડના ૧૫ બૉલમાં ચાર સિક્સર સાથેના ૨૮ રન હાઇએસ્ટ હતા.

ગ્લેન ફિલિપ્સે તેને રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

154

ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે છેલ્લી ૧૦ ઓવરમાં થર્ડ હાઇએસ્ટ આટલા રન બનાવ્યા હતા. શ્રીલંકાએ ૨૦૦૭માં કેન્યા સામે બનાવેલા ૧૫૯ હાઇએસ્ટ છે જ્યારે અફઘાનિસ્તાને ગયા વર્ષે આયરલૅન્ડ સામે બનાવેલા ૧૫૬ રન સેકન્ડ હાઇએસ્ટ છે.

ફિલિપ્સે તોડ્યો મુનરોનો રેકૉર્ડ

ફિલિપ્સે ગઈ કાલે માત્ર ૪૬ બૉલમાં સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે ટી૨૦માં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ન્યુ ઝીલૅન્ડનો પ્રથમ ખેલાડી બન્યો હતો. આ પહેલાં આ રેકૉર્ડ કોલિન મુનરોના નામે હતો. મુનરોએ ૨૦૧૮માં આ જ મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે જ ૪૭ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.

sports sports news cricket news new zealand west indies