મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ખેલાડીઓ હવે ચમકશે પૉન્ડિચેરીની સ્પર્ધામાં

23 September, 2022 12:04 PM IST  |  Mumbai | Ajay Motivala

પહેલી વાર મુંબઈની મહિલા ટીમની કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન ગુજરાતીઃ તુશી શાહ અને મહેક પોકાર ઉપરાંત હર્લી ગાલા, પલક ધરમસી અને રિદ્ધિ કોટેચાનો સમાવેશ

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સુપરસ્ટાર હર્લી ગાલા.

પહેલી વખત મુંબઈની મહિલા  ક્રિકેટ ટીમમાં એકસાથે પાંચ ગુજરાતી પ્લેયર્સને સામેલ કરવામાં આવી છે. આ સમાવેશથી માત્ર મુંબઈને જ નહીં, ગુજરાતી સમાજને પણ અનેરું ગૌરવ મળ્યું છે. વધુ આનંદ અને ગર્વની વાત એ છે કે મુંબઈની આ ગુજરાતી ગર્લ્સ અન્ડર-19 ટીમની કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન છે.

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)ની જુનિયર વીમેન સિલેક્શન કમિટીમાં સંગીતા કટવારે (ચૅરપર્સન), અપર્ણા ચવાણ, શીતલ સાક્રુ, સુષમા માધવી અને શ્રદ્ધા ચવાણનો સમાવેશ છે. તેમણે પહેલી ઑક્ટોબરથી પૉન્ડિચેરીમાં રમાનારી અન્ડર-19 ટી૨૦ ટુર્નામેન્ટ માટેની મુંબઈની ટીમ પસંદ કરી છે અને એમાં ગુજરાતી ખેલાડીઓ તુશી શાહ (કૅપ્ટન), મહેક પોકાર (વાઇસ-કૅપ્ટન), હર્લી ગાલા, પલક ધરમશી અને રિદ્ધિ કોટેચા સામેલ છે. આ પાંચમાંથી રિદ્ધિ કોટેચાને બાદ કરતાં બાકીની ચાર પ્લેયર્સ દર વર્ષે રમાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ ટુર્નામેન્ટમાં રમી ચૂકી છે.

મુંબઈની આ અન્ડર-19 ટીમ પહેલી ઑક્ટોબરથી પૉન્ડિચેરીમાં ટી૨૦ ટુર્નામેન્ટમાં રમશે. એમાં મુંબઈની પહેલી મૅચ બંગાળ સામે રમાશે. ત્યાર પછી ત્રિપુરા, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ સામે પણ મૅચ રમાશે.

કૅપ્ટન તુશી શાહ

૧૮ વર્ષની મારવાડી જૈન સમાજની તુશી શાહ મુંબઈની અન્ડર-19 ગર્લ્સ ટીમની કૅપ્ટન છે. ચર્ની રોડમાં રહેતી અને બાંદરાની રિઝવી કૉલેજમાં એસ.વાય.બીકૉમ.માં ભણતી તુશી અગાઉ તેની સ્કૂલ-કૉલેજ અને ક્લબ વતી રમી ચૂકી છે, પરંતુ મુંબઈની ટી૨૦ ટીમમાં પહેલી વાર સિલેક્ટ થઈ છે. તે પ્લેયર તરીકે પહેલી વખત મુંબઈની સ્ક્વૉડમાં સામેલ થઈ છે. એ ઉપરાંત તેને આ પહેલા જ સમાવેશમાં મુંબઈની ટીમનું નેતૃત્વ સંભાળવાનું ગૌરવ પણ મળી રહ્યું છે. તુશી બૅટર અને મીડિયમ પેસ બોલર છે. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમ વતી રમી ચૂકેલી તુશીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમને બેસ્ટ ટીમ આપવામાં આવી છે. હવે અમારે મુંબઈને ટુર્નામેન્ટ જિતાડવાની છે. મને આ સ્તર સુધી પહોંચાડવામાં મારા કોચ ઇવિન રૉડ્રિગ્સ અને ફ્લિન પાટીલનું મોટું યોગદાન છે.’

વાઇસ-કૅપ્ટન મહેક પોકાર 

૧૭ વર્ષની મહેક પોકાર અગાઉ મુંબઈ વતી રાજકોટ અને જયપુર માટેની ટીમમાં સિલેક્ટ થઈ ચૂકી છે. તે એ ટીમમાં માત્ર ‌પ્લેયર હતી, પણ હવે તેણે ઉપ-કપ્તાન હોવા ઉપરાંત વિકેટકીપર અને બૅટર તરીકેની જવાબદારી પણ નિભાવવાની છે. તેના સ્થાનિક સ્તરના પર્ફોર્મન્સના આધારે બીકેસી ખાતેની સિલેક્શન ટ્રાયલમાં તેનો સમાવેશ થયો છે. થાણેમાં રહેતી મહેક શ્રી મા વિદ્યાલયમાં ૧૨મા ધોરણમાં ભણે છે. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં કચ્છી કડવા પાટીદાર ટીમ વતી રમી ચૂકેલી મહેક સાથી-ખેલાડીઓ જોડે પ્રૅક્ટિસ કરવામાં વ્યસ્ત છે અને પૉન્ડિચેરીની ટુર્નામેન્ટ શરૂ થવાની રાહ જોઈ રહી છે.

બોલિંગ-ઑલરાઉન્ડર હર્લી ગાલા

૧૬ વર્ષની હર્લી ગાલાની ક્રિકેટર તરીકેની કાબેલિયતથી માત્ર મુંબઈના ક્રિકેટપ્રેમીઓ જ નહીં, ગર્લ્સ જુનિયર ક્રિકેટ સાથે સંપર્ક ધરાવતા અનેક લોકો પણ બહુ સારી રીતે વાકેફ છે. ૨૦૨૨ની ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ચૅમ્પિયન ટીમ વાગડ કલા કેન્દ્રની આ ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર અને એ સીઝનની વુમન ઑફ ધ સિરીઝ હર્લી ગાલા ગયા મહિને મુંબઈ અન્ડર-19 ટીમમાં સિલેક્ટ થઈ હતી. મુંબઈની સિનિયર વિમેન્સ વન-ડે તથા ટી૨૦ ટીમમાં પણ સ્થાન મેળવી ચૂકેલી વાગડ વીસા ઓસવાળ જૈન સમાજની હર્લી ટી૨૦ અને વન-ડે બન્નેની ટીમમાં સ્થાન મેળવી ચૂકી છે. હર્લીના પિતા તન્મય ગાલાએ ‘મિડ-ડે’ને આપેલી માહિતી મુજબ આગામી જાન્યુઆરીમાં પહેલી જ વાર આઇસીસી વિમેન્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે એ માટે સમગ્ર ભારતમાંથી પસંદ કરાયેલી ૧૪૦ પ્લેયર્સમાંથી હર્લીને તેની અસરદાર પેસ બોલિંગ તથા બૅટિંગ તેમ જ ચપળ ફીલ્ડિંગ બદલ ગયા મહિનાના ઇન્ડિયા અન્ડર-19 હાઈ-પર્ફોર્મન્સ કૅમ્પ માટે સિલેક્ટ કરાઈ હતી. બૅન્ગલોરમાં એનસીએના ચીફ વીવીએસ લક્ષ્મણની દેખરેખમાં એ કૅમ્પ યોજાયો હતો.

કલાકે ૧૧૦થી ૧૧૨ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતી હર્લીના પેસપાવરથી ભારતની નૅશનલ પ્લેયર્સ પણ વાકેફ છે. તાજેતરમાં રાંચીમાં આયોજિત ટી૨૦ ટુર્નામેન્ટમાં મુંબઈ વતી રમેલી હર્લી ગાલાએ નૅશનલ ટીમની ટીનેજ ઓપનર તેમ જ ઇન્ટરનૅશનલ ટી૨૦માં છઠ્ઠો રૅન્ક ધરાવતી શેફાલી વર્માની અને વિશ્વવિખ્યાત ઑલરાઉન્ડર તથા વિશ્વમાં ત્રીજો રૅન્ક ધરાવતી દીપ્તિ શર્માની વિકેટ લીધી હતી. હર્લીએ શેફાલીને વારંવાર બીટ કર્યા બાદ તેને આઉટ કરી હતી. હર્લીના એ પર્ફોર્મન્સના આધારે મુંબઈની ટીમે એ સ્પર્ધામાં પ્રગતિ કરી હતી.
જુહુમાં રહેતી હર્લીએ તાજેતરમાં ૧૦મા ધોરણમાં ૭૪ ટકા માર્ક્સ મેળવ્યા હતા. બાંદરાની રિઝવી કૉલેજમાં જોડાયેલી હર્લી ભારતની અન્ડર-19 ગર્લ્સ પ્લેયર્સમાં બેસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર હોઈ શકે અને એની ઝલક તેણે વારંવાર ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં દેખાડી છે.

પેસ બોલર પલક ધરમસી

મુલુંડમાં રહેતી અને ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમ વતી રમી ચૂકેલી ૧૭ વર્ષની પલક ધરમસી કચ્છી દસા ઓસવાળ જૈન સમાજની છે. તે પેસ બોલર છે અને પહેલી વાર મુંબઈની ટી૨૦ ટીમમાં તેણે સ્થાન મેળવ્યું છે. તે તાજેતરના પ્રૅક્ટિસ કૅમ્પમાંના પર્ફોર્મન્સના આધારે મુંબઈની અન્ડર-19 ટીમમાં સિલેક્ટ થઈ છે. અગાઉ તે મુંબઈની ટીમ સિલેક્ટ કરવા માટેના સંભવિતોમાં સામેલ હતી. તે મુલુંડની આર. આર. કૉલેજમાં ૧૨મા ધોરણમાં ભણે છે.

લેફ્ટ-આર્મ સ્પિનર રિદ્ધિ કોટેચા

લોહાણા સમાજની ૧૮ વર્ષની રિદ્ધિ કોટેચા કાંદિવલીમાં રહે છે અને કાંદિવલીની કેઈએસ કૉલેજમાં એસ.વાય.બીકૉમ.માં ભણે છે. તે લેફ્ટ-આર્મ સ્પિનર છે અને ગયા વર્ષે પણ મુંબઈની ટીમમાં સિલેક્ટ થઈ હતી અને એ ટીમ રાજકોટ તથા જયપુરમાં અન્ડર-19 ટુર્નામેન્ટમાં રમી હતી.

મુંબઈની અન્ડર-19 ટી૨૦ ટીમ
તુશી શાહ (કૅપ્ટન), મહેક પોકાર (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), સાનિકા ચાળકે, શાર્વી સાવે, અલીના મુલ્લા, નિર્મિતી રાણે, હર્લી ગાલા, મિતાલી મ્હાત્રે, ઝીલ ડોમેલો, કશિશ નિર્મલ, પલક ધરમશી, રિદ્ધિ કોટેચા, સારા સામંત, પ્રજ્ઞા ભગત અને તન્વી ગાવડે (વિકેટકીપર).

1
પૉન્ડિચેરીમાં ઑક્ટોબરની આટલી તારીખે વિમેન્સ જુનિયર ટી૨૦ ટુર્નામેન્ટ શરૂ થશે.

sports news sports cricket news mumbai cricket association