જર્મની ફિફા વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થયેલો પ્રથમ દેશ

13 October, 2021 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જર્મની વતી કેઇ હૅવર્ટ્ઝે એક, ટિમો વર્નરે બે અને જમાલ મુસિયાલાએ એક ગોલના યોગદાનથી જર્મનીને વર્લ્ડ કપમાં પહોંચાડી દીધું હતું. ગ્રુપ ‘જે’માં જર્મનીના સૌથી વધુ ૨૧ પૉઇન્ટ છે અને એની હજી બે લીગ મૅચ બાકી છે.

જર્મની ફિફા વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થયેલો પ્રથમ દેશ

આવતા વર્ષે કતારમાં ફિફા વર્લ્ડ કપ યોજાવાનો છે અને એમાં ક્વૉલિફાય થવા માટે ચાલી રહેલા વિવિધ દેશો વચ્ચેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સોમવારે જર્મનીએ નૉર્થ મૅસેડોનિયાને ૪-૦થી હરાવીને વિશ્વકપમાં સ્થાન મેળવનાર પ્રથમ દેશ તરીકેનું ગૌરવ મેળવ્યું હતું. કતાર યજમાન હોવાથી એ સૌથી પહેલાં ક્વૉલિફાય થયું હતું.
ચારેય ગોલ સેકન્ડ હાફમાં થયા હતા. આ જ નૉર્થ મૅસેડોનિયાએ માર્ચમાં ૨૦૧૪ની સાલ સહિત ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા જર્મનીને ૨-૧થી હરાવ્યું હતું અને સોમવારે ફર્સ્ટ હાફમાં જર્મનીને સંઘર્ષ કરાવ્યો હતો. જર્મની વતી કેઇ હૅવર્ટ્ઝે એક, ટિમો વર્નરે બે અને જમાલ મુસિયાલાએ એક ગોલના યોગદાનથી જર્મનીને વર્લ્ડ કપમાં પહોંચાડી દીધું હતું. ગ્રુપ ‘જે’માં જર્મનીના સૌથી વધુ ૨૧ પૉઇન્ટ છે અને એની હજી બે લીગ મૅચ બાકી છે. રોમાનિયા ૧૩ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે.
ટર્કીનો ૯૯મી મિનિટે ગોલ
ક્વૉલિફાઇંગ રાઉન્ડના ગ્રુપ ‘જી’માં સોમવારે ટર્કીએ લાટ્વિયા સામે ૨-૧થી વિજય મેળવ્યો હતો. ૯૦ મિનિટનો ફુલ ટાઇમ પૂરો થયો ત્યારે બન્ને ટીમનો ૧-૧ ગોલ હતો, પરંતુ પછી સ્ટૉપેજ ટાઇમ શરૂ થયા બાદ ૯૯મી મિનિટે પેનલ્ટી કિકથી બુરાક યિલ્મેઝે ગોલ કરીને ટર્કીને રોમાંચક જીત અપાવી હતી.
આ જ ગ્રુપ ‘જી’માં નેધરલૅન્ડ્સે જિબ્રાલ્ટરને ૬-૦થી હરાવ્યું હતું.
જપાને ઑસ્ટ્રેલિયાને હરાવ્યું
ગ્રુપ બી’માં જપાને ઑસ્ટ્રેલિયાને ક્વૉલિફાઇંગ રાઉન્ડની મૅચમાં ૨-૧થી હરાવીને વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવવાની આશા જીવંત રાખી હતી. ઑસ્ટ્રેલિયાના ગોલકીપર મૅટ રાયનના હાથે પોતાનાથી જ જપાનીઝ પ્લેયર તાકુમા અસાનોના શૉટમાં બૉલ ગોલપોસ્ટમાં જતો રહેતાં જપાનને ગોલ મળી ગયો હતો.
બેલ્જિયમે રાહ જોવી પડશે
ગ્રુપ ‘ઈ’માં વર્લ્ડ નંબર-વન બેલ્જિયમને પણ સોમવારે જર્મનીની જેમ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા મળી ગયું હોત જો વેલ્સની ટીમે એસ્ટોનિયાને ન હરાવ્યું હોત તો. જોકે વેલ્સે એસ્ટોનિયાને ૧-૦થી હરાવતાં હવે બેલ્જિયમે થોડી વધુ રાહ જોવી પડશે. બેલ્જિયમ ૧૬ પૉઇન્ટ મેળવી ગ્રુપમાં મોખરે છે અને ૧૧-૧૧ પૉઇન્ટ ધરાવતા પછીના બે દેશો વેલ્સ અને ચેક રિપબ્લિકથી પાંચ પૉઇન્ટ આગળ હોવાથી આ ગ્રુપમાંથી વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવાની તૈયારીમાં છે. 
રશિયા, ક્રોએશિયાને પ્લે-ઑફ
ગ્રુપ ‘એચ’માં ટોચની ટીમો રશિયા અને ક્રોએશિયા અનુક્રમે ૧૯ અને ૧૭ પૉઇન્ટ ધરાવે છે અને આ બે દેશો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવા માટેના કમસે કમ પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચી જ શકશે. સોમવારે રશિયાએ સ્લોવેનિયાને ૨-૧થી હરાવ્યું હતું, પરંતુ ૨૦૧૮ના વર્લ્ડ કપના રનર-અપ ક્રોએશિયાએ સ્લોવેકિયા સામેની મૅચ ૨-૨થી ડ્રૉ કરવી પડી હતી.

જર્મનીના સ્ટેફાન કુન્ટ્ઝના કોચિંગમાં સોમવારે રિગામાં ટર્કીએ વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પહેલી વાર વિજય મેળવ્યો એટલે સ્ટેફાન ભાવુક થઈને રડી પડ્યા હતા. ટર્કીએ આ મૅચમાં લાટવિયાને ૨-૧થી હરાવ્યું હતું.

જર્મનીના ફૉર્વર્ડ ખેલાડી ટિમો વર્નરે (જમણે) સોમવારે નૉર્થ મૅસેડોનિયા સામેની મૅચમાં હરીફ ખેલાડીઓના કબજામાંથી બૉલને ખૂબ ચાલાકીથી પોતાના કબજામાં કર્યો હતો. ટિમોએ બે ગોલ કર્યા હતા. ટિમો ફુટબૉલની રમતમાં એક મિનિટના ૨૫૧૯ રૂપિયા, એક દિવસના ૩૬.૩ લાખ રૂપિયા, એક મહિનાના ૧૧.૧ કરોડ રૂપિયા અને એક વર્ષના ૧૩૨.૪ કરોડ રૂપિયા કમાય છે.  એ.એફ.પી.

બ્રાઝિલ-આર્જેન્ટિનાની મૅચ ફરી રાખવાની માગણી

ફૂટબૉલમાં દક્ષિણ અમેરિકાના દેશોનું સંગઠન કૉન્મેબૉલ તરીકે ઓળખાય છે અને એ સંગઠનના પ્રમુખ ઍલેયેન્ડ્રો ડૉમિન્ગ્વેઝે માગણી કરી છે કે સાઓ પાઉલોમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડની જે મૅચ સસ્પેન્ડ કરવામાં આવી હતી એ વહેલાસર ફરી રાખવી જોઈએ ત્યારે એ મૅચ શરૂ થયા બાદ સાતમી મિનિટમાં બ્રાઝિલના આરોગ્ય વિભાગના અધિકારીઓ મેદાન પર આવી ચડ્યા હતા અને ઇંગ્લૅન્ડમાં સ્થાયી આર્જેન્ટિનાના ચાર ખેલાડીઓએ કોરોના વાઇરસને લગતાં નિયંત્રણોનો ભંગ કર્યો એ બદલ એ ચારેયને રમવાની મનાઈ કરી હતી. એ ચાર ખેલાડીઓ ક્વૉરન્ટીનમાં રહેવાને બદલે રમવા આવી ગયા હતા.

sports news sports germany