વાનખેડેમાં પાવર-કટ વખતે જનરેટર વાપરવું જોઈતું હતું : વીરેન્દર સેહવાગ

14 May, 2022 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ સુ​પર કિંગ્સના ઓપનર ડેવોન કૉન્વેને વીજળી ઉપલબ્ધ ન હોવાથી ડીઆરએસનો લાભ નહોતો મળ્યો

વાનખેડેમાં પાવર-કટ વખતે જનરેટર વાપરવું જોઈતું હતું : વીરેન્દર સેહવાગ

ગુરુવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ આપ્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ માંડ શરૂ થઈ હતી ત્યાં ૧૦ બૉલમાં ચેન્નઈની ત્રણ વિકેટ પડી ગઈ હતી. આ ત્રણ વિકેટમાં ડેવોન કૉન્વે (ઝીરો) તથા મોઇન અલી (ઝીરો) મુંબઈના ડૅનિયલ સેમ્સના શિકાર થયા હતા, જ્યારે રૉબિન ઉથપ્પા (૧)ને જસપ્રીત બુમરાહે આઉટ કર્યો હતો. એ દિવસે ૯૭ રને ઑલઆઉટ થયા બાદ પરાજિત થયેલી ચેન્નઈની ટીમને તથા એના અસંખ્ય ચાહકોને આ ધબડકા બદલ આંચકા જરૂર લાગ્યા હશે, પરંતુ એનાથી વધુ આઘાત તેમને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)નો તેઓ લાભ ન લઈ શક્યા એનો હશે.
મૅચની શરૂઆતમાં વાનખેડેમાં શૉર્ટ સર્કિટને કારણે થોડી મિનિટ માટે પાવર કટ થયો હતો અને એ દરમ્યાન ચેન્નઈના બૅટર્સ ડીઆરએસ હેઠળ થર્ડ અમ્પાયરની મદદ નહોતા લઈ શક્યા. એલબીડબ્લ્યુની અપીલમાં આઉટ આપવામાં આવેલો કૉન્વે ડીઆરએસ હેઠળ અપીલ નહોતો કરી શક્યો. મોઇન કૅચઆઉટ થયો હતો, પરંતુ એલબીડબ્લ્યુમાં વિકેટ ગુમાવનાર ઉથપ્પા પણ ડીઆરએસનો લાભ નહોતો લઈ શક્યો. ઉથપ્પાની વિકેટના એક બૉલ બાદ ડીઆરએસ ફરી કાર્યરત થયું હતું.
બીસીસીઆઇ માટે પ્રશ્ન : વીરુ
ભૂતપૂર્વ ઓપનર અને સ્પષ્ટવક્તા વીરેન્દર સેહવાગે ગઈ કાલે ‘ક્રિકબઝ’ને કહ્યું કે ‘ડીઆરએસની આ ઘટના ચેન્નઈ માટે ગેરલાભ સમાન હતી. પાવર-કટને લીધે ડીઆરએસ ઉપલબ્ધ નહોતી એ મોટી આશ્ચર્યની વાત કહેવાય. આવી મોટી ટુર્નામેન્ટમાં તો જનરેટર ઉપલબ્ધ હોવું જ જોઈએ. એવું કેમ ન થયું? ગમેએવું સૉફ્ટવેર હોય, બૅકઅપ પાવરથી એનો ઉપયોગ થવો જોઈતો હતો. બીસીસીઆઇ માટે આ બહુ મોટો પ્રશ્ન કહેવાય. શું જનરેટર માત્ર સ્ટેડિયમની લાઇટ્સ માટે જ હોય છે? બ્રૉડકાસ્ટર્સ અને તેમની સિસ્ટમ માટે નહીં? ચેન્નઈની જગ્યાએ મુંબઈની પહેલાં બૅટિંગ હોત તો એના બૅટર્સને આ પાવર-કટને લીધે નુકસાન થયું હોત.’
‘અનલકી’ કૉન્વે જબરદસ્ત ફૉર્મમાં
ચેન્નઈના ‘અનલકી’ ઓપનર ડેવોન કૉન્વેએ ગુરુવારના ઝીરો અગાઉ પાછલી ત્રણેય મૅચમાં હાફ સેન્ચુરી (૮૫*, ૫૬ અને ૮૭) ફટકારી છે. તે બહુ સારા ફૉર્મમાં હતો. જો ડીઆરએસ ઉપલબ્ધ હોત અને તેને નૉટઆઉટ જાહેર કરાયો હોત તો ચેન્નઈ કદાચ ૯૭ રનના નાના સ્કોર પર આઉટ ન થયું હોત અને નૉકઆઉટ રાઉન્ડની બહાર ન થયું હોત.

cricket news sports news sports virender sehwag