ગેઇલે ઍમ્બ્રોઝનું માન જાળવવું જોઈએ : રિચર્ડ્સ

16 October, 2021 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ ક્રિસ ગેઇલે ઉચ્ચ સ્તરે સિદ્ધિઓ હાંસલ કરી છે એવી ઍમ્બ્રોઝે તેના સમયમાં ઉચ્ચ સ્તરે મેળવી હતી. આવા લેજન્ડ ક્રિકેટર જેકંઈ મંતવ્ય આપે, એનું માન તો જળવાવું જોઈએ.’

ગેઇલે ઍમ્બ્રોઝનું માન જાળવવું જોઈએ : રિચર્ડ્સ

વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટના લેજન્ડ અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કર્ટલી ઍમ્બ્રોઝે તાજેતરમાં ક્રિસ ગેઇલ વિશે ટિપ્પણી કરી હતી એને પગલે ગેઇલે ઍમ્બ્રોઝનો માનભંગ કરતી કમેન્ટ કરી એના પર વિવિયન રિચર્ડ્સે ગેઇલને વખોડ્યો છે.
‘યુનિવર્સ બૉસ’ તરીકે ઓળખાતા ગેઇલ વિશે ઍમ્બ્રોઝે એક રેડિયો-ચૅનલને કહ્યું હતું કે ‘વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ પ્લેઇંગ ઇલેવનમાં ગેઇલ સીધા સમાવેશને પાત્ર નથી, કારણ કે છેલ્લા ૧૮ મહિનામાં તે ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં પણ વખાણવા જેવું કંઈ રમ્યો નથી.’
ઍમ્બ્રોઝના મંતવ્ય સામેની પ્રતિક્રિયામાં ગેઇલે કહ્યું કે ‘૧૯૮૦ના અને ૧૯૯૦ના દાયકાનો આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર તો નેગેટિવ માણસ છે. મને તેમના પર જરાય માન નથી.’
જોકે કર્ટલી ઍમ્બ્રોઝના પ્રથમ ઇન્ટરનૅશનલ કૅપ્ટન સર વિવિયન રિચર્ડ્સે તેમના બચાવમાં કહ્યું કે ‘ઍમ્બ્રોઝને જે લાગ્યું એ તેણે કહ્યું. પોતાનું મંતવ્ય કહેવાનો તેને અધિકાર છે. જેમ ક્રિસ ગેઇલે ઉચ્ચ સ્તરે સિદ્ધિઓ હાંસલ કરી છે એવી ઍમ્બ્રોઝે તેના સમયમાં ઉચ્ચ સ્તરે મેળવી હતી. આવા લેજન્ડ ક્રિકેટર જેકંઈ મંતવ્ય આપે, એનું માન તો જળવાવું જોઈએ.’

cricket news sports news sports