રોહિતની ઈજાને મામલે રહેલો કમ્યુનિકેશન ગૅપ દુર્ભાગ્યપૂર્ણ

03 December, 2020 02:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રોહિતની ઈજાને મામલે રહેલો કમ્યુનિકેશન ગૅપ દુર્ભાગ્યપૂર્ણ

રોહિત શર્મા

ઑસ્ટ્રેલિયા ટૂર દરમ્યાન ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ટીમના સ્ક્વૉડમાં રોહિત શર્માને શા માટે સામેલ નથી કરવામાં આવ્યો એ અંગે તેને કોઈ જાણકારી નથી. આ સંદર્ભે તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ પ્લેયર ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણે નારાજગી વ્યક્ત કરી છે તેમ જ ભારતીય ક્રિકેટ બોર્ડ અને વર્તમાન ટીમ મૅનેજમેન્ટ વચ્ચે કમ્યુનિકેશન ગૅપ રહ્યો હોવાનું તેમણે કહ્યું છે. ૧૭ ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં પણ રોહિત રમશે કે નહીં એ હજી પણ ટીમ ઇન્ડિયા માટે કોયડો છે.

રોહિતની આ ગેરહાજરી સંદર્ભે ગૌતમ ગંભીરે કહ્યું કે ‘આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે, કેમ કે વિરાટ કોહલી કૅપ્ટન છે અને પ્રેસ-કૉન્ફરન્સમાં તે કહી રહ્યો છે કે તેને રોહિતની ગેરહાજરી વિશે કંઈ ખબર નથી. કદાચ ફિઝિયો, હેડ કોચ અને સિલેક્શન કમિટીના ચૅરમૅન આ બાબતમાં ધ્યાન આપનારી મુખ્ય ત્રણ હસ્તી છે. આ ત્રણેયની જવાબદારી લગભગ સમાન છે અને તમારા હેડ કોચે વિરાટને રોહિત અંગે જાણકારી નહીં આપી હોય. તમે પ્રેસ-કૉન્ફરન્સમાં જઈ રહ્યા છો અને તમે કહો છો કે તમને રોહિત શર્માની ઈજા વિશે કંઈ ખબર નથી. આ ખરેખર ઘણું દુર્ભાગ્યપૂર્ણ કહેવાય, કેમ કે તે એક મહત્ત્વનો પ્લેયર છે અને તેમની વચ્ચે ક્યાંક ચોખ્ખી વાતચીત થઈ હોવી જોઈએ, જેની કદાચ મારા ખ્યાલથી કમી રહી ગઈ છે.’

સામા પક્ષે વીવીએસ લક્ષ્મણે કહ્યું કે ‘મારા મતે સૌથી પહેલી વાત તો એ કે રોહિતને ટીમમાં સામેલ કરવો જોઈતો હતો અને જ્યાં સુધી કમ્યુનિકેશન ગૅપની વાત છે તો એ ઘણી નિરાશાજનક છે. મને ઘણું આશ્ચર્ય લાગે છે કે આજે વાતચીત કરવા કેટલાં બધાં વૉટ્સઍપ ગ્રુપ છે, ગ્રુપ મેઇલ છે છતાં આવી સમસ્યા સર્જાય છે. મને ખાતરી છે કે ક્યાંક ટીમ મૅનેજમેન્ટ, સિલેક્શન કમિટીના ચૅરમૅન અને બીસીસીઆઇની મેડિકલ ટીમના ઇન્ચાર્જ વચ્ચે કમ્યુનિકેશન ગૅપ રહ્યો હશે.’

sports sports news cricket news rohit sharma gautam gambhir vvs laxman ravi shastri