દાનિશ કનેરિયા મામલે ગૌતમ ગંભીરે કહ્યું ખેલાડીઓ સાથે ગેરવર્તન શરમજનક

27 December, 2019 06:26 PM IST  |  New Delhi

દાનિશ કનેરિયા મામલે ગૌતમ ગંભીરે કહ્યું ખેલાડીઓ સાથે ગેરવર્તન શરમજનક

ગૌતમ ગંભીર

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા સાથે હિંદુ હોવાથી થયેલા ગેરવર્તન અંગે પ્રતિક્રિયા આપી છે. ગંભીરે કહ્યું કે, આ પાકિસ્તાનનો અસલી ચહેરો છે. શોએબ અખ્તરે પીટીવી સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં દાવો કર્યો છે કે, મારા સાથી ક્રિકેટર દાનિશ કનેરિયાએ હિંદુ હોવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભેદભાવ સહન કરવો પડ્યો હતો. પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરો તો દાનિશ સાથે ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા. આ વાતનું દાનિશ કનેરિયાએ પણ સમર્થન કરતા કહ્યું છે કે, મારી સાથે આવું વર્તન કરનારા લોકોના નામ ઝડપથી જાહેર કરીશ. શોએબ અખ્તર મહાન ક્રિકેટર છે. તેમનું વર્તન પણ તેમની બોલિંગ જેવું જ છે.

ઇમરાન પ્રધાનમંત્રી છે તેમ છતાં આવું ગેરવર્તન થાય છે
ગંભીરે વધુ ઉમેરતા કહ્યું કે, મોહમ્મદ અઝહરુદીને 80થી 90 ટેસ્ટમાં ભારતની કપ્તાની કરી હતી. આજે તેમની પાસે પ્રધાનમંત્રીના રૂપે એક ખેલાડી (ઇમરાન ખાન) છે. તેમ છતાં લોકોને આવી તકલીફનો સામનો કરવો પડે છે. આ પાકિસ્તાનની હકીકત છે. કનેરિયા પાકિસ્તાન માટે 60 ટેસ્ટ રમ્યો છે અને તેની સાથે આવું ગેરવર્તન શરમજનક છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે કહ્યું કે, "શિક્ષણનો અભાવ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સૌથી મોટો ફર્ક છે. પાકિસ્તાનની ટીમમાં અત્યાર સુધી માત્ર બે હિન્દુ ખેલાડીઓને જગ્યા મળી છે. મેં નોટિસ કર્યું છે કે, જ્યારે હિન્દૂ ખેલાડી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે તો અમારી તરફ વધુ આકર્ષિત થાય છે. તે હિન્દુ ખેલાડી અમારી સાથે વાત કરવાનું પસંદ કરે છે. હું જયારે પણ પાકિસ્તાન ગયો છું મેં ત્યાં હિંદુઓ સાથે ગેરવર્તન થતા જોયું છે. દાનિશ અનિલ દલપત પછી પાકિસ્તાન માટે રમનાર બીજો હિન્દુ ખેલાડી છે."

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

હિંદુ દાનિશે જ અમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીતાડી હતી : શોએબ
દાનિશ કનેરિયા તેના મામા અનિલ દલપત પછી પાકિસ્તાન ટીમ વતી રમેલો બીજો હિંદુ ક્રિકેટર છે. કનેરિયાએ 61 ટેસ્ટ મેચમાં 34.71ની સરેરાશથી 261 વિકેટ લીધી હતી. તેમણે 18 વનડે ઈન્ટરનેશનલ રમી હતી. શોએબે ગેમ ઓનનામના આ કાર્યક્રમમાં કહ્યું કે, ટીમમાં મારી ત્રણ-ચાર લોકો સાથે લડાઈ થતી કારણ કે, તેઓ ધર્મની વાત કરતા. જ્યારે તેઓ પૂછતા કે, કરાચી, પંજાબ અને પેશાવરથી કોણ છે, તો મને ખૂબ ગુસ્સો આવતો. જો કોઈ હિંદુ હોય તો શું થયું? તે ટીમ માટે સારા હોય, તો રમશે. તે હિંદુ દાનિશે જ અમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીતાડી હતી. આમ છતાં, તેઓ મને ફરિયાદ કરતા કે, સર આ અહીંથી ખાવાનું કેમ લઈ રહ્યો છે? ત્યારે હું તેમને કહેતો કે, ઉઠાવીને બહાર ફેંકી દઈશ.

gautam gambhir cricket news