03 February, 2025 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર, રોહિત શર્મા, વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પહેલી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાયેલા વાર્ષિક અવૉર્ડ્સ સમારોહમાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ હાજરી આપી હતી. આ અવૉર્ડ્સ સમારોહના એક ઇન્ટરવ્યુમાં તેણે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં હતાં. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે રોહિત અને વિરાટ બન્ને ડ્રેસિંગ રૂમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ ભારતીય ક્રિકેટ માટે પણ ખૂબ જ કીમતી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તેમની મોટી ભૂમિકા રહેશે. આ પ્લેયર્સ રન બનાવવા માટે ભૂખ્યા છે. તેઓ દેશ માટે રમવા માગે છે. તેમનામાં દેશ માટે રમવાનો અને દેશ માટે સારું પ્રદર્શન કરવાનો જુસ્સો છે.’
૨૩ ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની મૅચને લઈને ચાલી રહેલા ઉત્સાહ વિશે ગંભીરે કહ્યું હતું કે ‘જુઓ, અમે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એવું વિચારીને નથી જતા કે ૨૩ તારીખે અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ મૅચ છે. મને લાગે છે કે પાંચ મૅચ છે અને બધી જ મહત્ત્વપૂર્ણ છે. દુબઈ જવાનો ઉદ્દેશ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાનો છે, ફક્ત કોઈ ચોક્કસ મૅચ જીતવાનો નહીં. ૫૦-૫૦ ઓવર્સના વર્લ્ડ કપની સરખામણીમાં ચૅમ્પિયન્સ ટ્રોફી સંપૂર્ણપણે અલગ પડકાર છે, કારણ કે લગભગ દરેક મૅચ કરો યા મરો હોય છે એથી તમે આ ટુર્નામેન્ટમાં ક્યાંય રોકાઈ શકતા નથી.’