ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન હીથ સ્ટ્રીક પર આઇસીસીએ મૂક્યો આઠ વર્ષનો પ્રતિબંધ

15 April, 2021 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હીથે ભ્રષ્ટાચારના નિયમોના ઉલ્લંઘનના આરોપનો સ્વીકાર કર્યા બાદ આઇસીસીએ આ પગલું ભર્યું છે

હીથ સ્ટ્રીક

આઇસીસીએ ગઈ કાલે ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન અને દિગ્ગજ હીથ સ્ટ્રીક પર ૮ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. હીથે ભ્રષ્ટાચારના નિયમોના ઉલ્લંઘનના આરોપનો સ્વીકાર કર્યા બાદ આઇસીસીએ આ પગલું ભર્યું છે. ફાસ્ટ બોલર સ્ટ્રીકે સ્વીકાર્યું હતું કે તેણે આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધના પાંચ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સ્ટ્રીકે નિવૃત્તિ બાદ ઘણી જગ્યાએ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. તેણે ઝિમ્બાબ્વેની નૅશનલ ટીમ અને વિશ્વની ટી20 લીગમાં કોચ તરીકે કામગીરી બજાવી હતી. તેના પર ૨૦૧૬થી ૨૦૧૮ દરમ્યાન વિવિધ આંતરરાષ્ટ્રીય અને ઘરઆંગણે રમાનારી મૅચો દરમ્યાન ભ્રષ્ટાચારના આચરણનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.

ઝિમ્બાબ્વેના આ ભૂતપૂર્વ ખેલાડીએ બંગલા દેશની ટીમના બોલિંગ કોચ અને આઇપીએલની ટીમ કલકત્તાના બોલિંગ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. આઇસીસીએ જણાવ્યું હતું કે સ્ટ્રીક પર ૨૦૧૬થી ૨૦૧૮ દરમ્યાન ઝિમ્બાબ્વેના કોચ તરીકે તેમ જ અન્ય ટીમોના કોચ તરીકેના પોતાના પદના આધારે આચાર સંહિતના ભંગ બદલ આરોપ મૂકવામાં આવ્યો છે. એક ખેલાડી તરીકે સ્ટ્રીકે ઝિમ્બાબવે માટે ૧૮૯ વન-ડે અને ૬૫ ટેસ્ટ રમ્યો હતો. ફાસ્ટ બોલર તરીકે તેણે ટેસ્ટમાં ૨૧૬ અને વન-ડેમાં ૨૩૯ વિકેટ ઝડપી હતી. ૨૦૦૫માં  તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

sports sports news cricket news zimbabwe