ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રેન્ડન ટેલરનો ધડાકો

25 January, 2022 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમની માગણી પ્રમાણે ક્યારેય સ્પૉટ-ફિક્સિંગ ન કર્યું હોવાની કરી સ્પષ્ટતા

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રેન્ડન ટેલરનો ધડાકો

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રેન્ડન ટેલરે ખુલાસો કરીને ધડાકો કર્યો છે કે ‘૨૦૧૯માં એક ભારતીય બિઝનેસમૅને મને સ્પૉન્સરશિપ ડીલની લાલચ આપીને ભારત બોલાવ્યો હતો અને પછી એક હોટલમાં મને કોકેન આપતો વિડિયો શૂટ કરી લીધો હતો. ત્યાર બાદ તે મને સ્પૉટ-ફિક્સિંગ માટે બ્લૅકમેઇલ કરતો હતો.’ જોકે તેણે સ્પષ્ટતા કરી કે હું તેમની માગણી સામે તાબે નહોતો થયો અને મેં ક્યારેય ફિક્સિંગ નહોતું કર્યું. 
ટેલરે થોડો સમય માનસિક રીતે તાણમાં રહ્યા બાદ હિંમત કરીને આઇસીસીને આ સંદર્ભે જાણ કરી હતી. જોકે ટેલરના આ ખુલાસાને લીધે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તેના પર બૅન મૂકી શકે છે અને એ માટે તે તૈયાર હોવાનું કહ્યું હતું. 
સોશ્યલ મીડિયામાં આ આખી ઘટનાનું વર્ણન કરતાં ટેલરે લખ્યું હતું કે એ ઘટના ૨૦૧૯ના ઑક્ટોબરમાં બની હતી અને ત્યારે ઝિમ્બાબ્વેના ખેલાડીઓની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. સરકારની દખલગીરીને કારણે આઇસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હોવાથી તેઓ ખેલાડીઓને પગાર પણ નહોતા આપી શકતા. એવા સમયે એક ભારતીય બિઝનેસમૅને એક સ્પૉન્સરશિપ અને ઝિમ્બાબ્વેમાં ટી૨૦ લીગ શરૂ કરવાના પ્રસ્તાવ સાથે સંર્પક કર્યો હતો. ભારત આવવા-જવાના ખર્ચ માટે ૧૫,૦૦૦ ડૉલર પણ આપવામાં આવ્યા હતાં. હું થોડો સાવચેત હતો, પણ ૬ મહિનાથી ક્રિકેટ બોર્ડે અમને પગાર નહોતો આપ્યો કે ક્યારે આપશે એ વિશે પણ કોઈ સ્પષ્ટતા નહોતી કરી એથી મજબૂરીમાં હું ભારત જવા તૈયાર થયો હતો. ત્યાં મને એક હોટેલમાં ડિનર દરમ્યાન કોકેન ઑફર કર્યું હતું. મેં પણ સમજ્યા વિના એનું સેવન કર્યું હતું. તેમણે એ આખી ઘટનાનો વિડિયો પણ શૂટ કરી લીધો હતો. બીજા દિવસે મને એ વિડિયો બતાવીને ઇન્ટરનૅશનલ મૅચોમાં તેમના ઇશારે સ્પૉટ ફિક્સિંગ નહીં કરે તો એ વિડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.’
ટેલર કહે છે કે આ ઘટનાને લીધે હું માનસિક રીતે ખૂબ ટેન્શનમાં આવી ગયો હતો. જોકે તેણે ક્યારે કોઈ ફિક્સિંગ ન કર્યું હોવાની સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે ‘હું ધોકેબાજ નથી. ક્રિકેટની આ ખૂબસૂરત રમત પ્રત્યેના મારો પ્રેમ કોઈ પણ ધમકીઓ કરતાં વધુ છે.’

sports news sports cricket news