83ની મૅચ જોવા હું મિત્રના ઘરે ગયો હતો જેથી કલર ટીવી પર મૅચ જોઇ શકાય: કિરણ મોરે

31 December, 2021 05:16 PM IST  |  Mumbai | Chirantana Bhatt

ભારતીય ટીમના બેસ્ટ વિકેટ કિપર્સમાંના એક કિરણ મોરેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે યાદ કર્યા 1983ની એ યાદગાર મૅચના સંસ્મરણો

કિરણ મોરેએ વિજેતા ટીમ સાથેની આ તસવીર શૅર કરી હતી જેમાં વિદેશની એક ટૂર દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. અહીં કિરણ મોરેએ ગુજરાતીમાં દર્શકોને સંબોધ્યા હતા.

ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ 83માં (83 )રણવીર સિંહના (Ranveer Singh)કામના તો વખાણ થયા જ છે પણ વર્લ્ડ કપની એ મૅચ સાથે ઘણાં લોકોની યાદો જોડાયેલી છે. જે પોતે ક્રિકેટ સાથે આજીવન જોડાયેલા હોય તેમની પાસે કેટલા અદ્ભૂત સંસ્મરણો હશે તે વિચારો? ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટ કીપર અને સિલેક્શન કમિટીના ચેરમેન કિરણ મોરે  (Kiran More) સાથે વાત કરી અને તેમણે પણ યાદ કર્યું એ વર્ષ જ્યારે પ્રોફેશનલ ક્રિકેટના વિશ્વમાં તેમણે બસ પ્રવેશ જ કર્યો હતો.

કિરણ મોરે માટે એ વર્ષ બહુ યાદગાર હતું કારણે 1983માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડી તરીકે તેમનો ઉમેરો થયો હતો. તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ ખાસ વાતચીતમાં કહ્યું, “એ જ વર્ષે ટીમમાં પ્રવેશ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટૂર થઇ ત્યારે હું ટીમનો હિસ્સો હતો. હા મને ખેલમાં ભાગ લેવા નહોતો મળ્યો પણ વિશ્વ કપ લેવા જનારી ટીમ સાથે મને ક્વૉલિટી ટાઇમ મળ્યો હતો.”

વર્લ્ડ કપની મૅચના થોડા મહિના પહેલા ભારતીય ટીમ એક બહુ કપરા એસાઇનમેન્ટ પર હતી – આ ટૂર ક્લાઇવ લોય્ડની વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામેની હતી. બેટિંગનાં ખેરખાંઓ સાથે તો તેમણે ઝીંક ઝીલી જ પણ સાથે બૉલિંગને મામલે પણ સામે તો વાવાઝોડું જ હતું. બર્બિસની મૅચની પીચ આપણી ટીમને સદે તેવી ફ્લેટ હતી વળી ત્યાંના ભારતીય ગયાનિઝ ટીમના સપોર્ટમાં સ્ટેડિયમાં એકઠા થયા હતા, હોળીનો દિવસ હતો. એ પહેલી ઓડીઆઇ હતી જેમાં આપણી ટીમનો સ્કોર ધુંઆધાર હતો.

કિરણ મોરે એ દિવસ યાદ કરતા કહે છે, “આપણી ટીમને મેં બર્બીસમાં જીતતા જોઇ. જુદું જ જોશ હતું એ દિવસનું. કોઇ અગત્યની મૅચમાં સારું પ્રદર્શન કેટલો પોરો ચઢાવે એ કલ્પી શકાય એવું છે. ટીમ ભારત પછી ફરી. જ્યારે વર્લ્ડ કપમાં રમવાનું તેડું આવ્યું ત્યારે હું તો હજી સાવ નવોસવો  હતો અને સ્વાભાવિક રીતે જ સૈયદ કિરમાણીની પસંદગી થઇ. હું ટીમ સાથે વિશ્વ કપની ટૂર પર તો નહોતો ગયો પણ એ દિવસ આજે પણ મને યાદ છે જ્યારે આપણે ફાઇનલમાં પહોંચ્યા અને એ પહેલાંની ઝિમ્બાબ્વે સાથેની મૅચ પણ.”

તેમણે ઉમેર્યું, “તે સમયનું એક્સાઇટમેન્ટ આજે પણ જાણે તાજું છે. આપણે એક પછી એક ટોપ ટીમ્સને હરાવી રહ્યા હતા. તે સમયે ભારતમાં ટેલિવિઝનની એન્ટ્રીને એક દાયકો પણ નહોતો થયો અને મારા ઘરે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું. હું મારા ફ્રેન્ડને ઘરે કલર ટીવી પર મૅચ જોવા ગયો હતો. વડોદરાના રાવપુરા વિસ્તારમાં મિત્રને ઘરે એ દિલ ધડક મૅચ મેં જોઇ હતી. ત્યારે તો એન્ટેના સરખા કરવા પડતા જેથી મૅચના બ્રોડકાસ્ટમાં કોઇ પણ ડિસ્ટર્બન્સ ટાળી શકાય નહીંતર ટીવી પર પેલા સફેદ કાળાં ટપકાં આવી જતા. મૅચ જીત્યા પછીનું એક્સાઇટમેન્ટ શબ્દોમાં વર્ણવવું આસાન નથી. વેસ્ટ ઇન્ડિઝની ટૂરમાં હતો ત્યારે આ સિનિયર્સને મેં પરફોર્મ કરતા જોયા હતા. વેસ્ટ ઇન્ડિઝ જ્યારે ગયા હતા ત્યારે ત્યાં બલવિન્દર સિંધુ નામનો એક ભારતીય હતો જે એકે એક મૅચમાં હાજરી આપતો. બાઉન્ડ્રી લાઇનમાં ટીમને ચિયર કરતો, તેણે આ વિશ્વ કપની આખરી મૅચ પણ ત્યાં જઇને જોઇ હતી.”

“આ મૅચ જીતવી, વિશ્વ કપ હાથમાં લેવો એ કોઇ સપનું સાકાર થવાથી કમ નહોતું. અમે બધા પ્લેયર્સ એને આજે પણ યાદ કરીએ છીએ. આ જીત આપણી ટીમ માટે, ભારતીય ક્રિકેટ માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી.”

વિશ્વકપ જીતીને પાછી આવેલી ભારતીય ટીમ સાથે જ્યારે એક યુવા ખેલાડી તરીકે કિરણ મોરે ફરી જોડાયા ત્યારની લાગણી વ્યક્ત કરતા તે કહે છે, “એક વિજેતા ટીમના હિસ્સા હોવું, સિનિયર્સ પાસેથી શીખવા મળે તેવા મોકા કંઇક અલગ જ હોય છે. એ એક વિન જાણે આવનારા બધા ભારતીય યુવા ક્રિકેટર્સ માટે પ્રેરણા હતી, સિનિયર્સને ક્રેડિટ જેટલો આપીએ એટલો ઓછો છે. મારે કપિલ દેવ સાથે વાત પણ થઇ હતી. આ ફિલ્મ મેં હજી જોઇ નથી પણ મને ખબર છે કે રોમાંચ મને ફરી જીવવા મળશે, જુના દિવસોનો અને સિનિયર્સના અફલાતુન પરફોર્મન્સનું એક બહુ સરસ રિકૅપ થશે.”

 

 

kiran more kapil dev indian cricket team cricket news sports news ranveer singh 83 movie kabir khan