પાકિસ્તાનની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર સના મીર કોરોના-પૉઝિટિવ

06 January, 2021 05:03 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર સના મીર કોરોના-પૉઝિટિવ

સના મીર

પાકિસ્તાનની મહિલા ક્રિકેટર અને ભૂતપૂર્વ કૅપ્ટન સના મીરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. કાયદે આઝમ ટ્રોફીની ફાઇનલ મૅચ વખતે તે ટીવી-કૉમેન્ટરી કરતી હતી. કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે જેને લીધે તેને કૉમેન્ટરી ટીમમાંથી બહાર કરવામાં આવી છે. હાલમાં તે ટીમની હોટેલ પર્લ કૉન્ટિનેન્ટલમાં ક્વૉરન્ટીન છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સના સાથે સંપર્કમાં આવનાર તમામ લોકોને કોરોના-ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. જોકે તેમના સાથી-કૉમેન્ટેટરમાંથી કોઈનામાં કોરોનાનાં લક્ષણ જોવા નથી મળ્યાં. કાયદે આઝમ ટ્રોફીની ફાઇનલ મૅચ શુક્રવારથી કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં સેન્ટ્રલ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા વચ્ચે રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે કાયદે આઝમ ટ્રોફીના બીજા અને ત્રીજા રાઉન્ડ વચ્ચે કૅપ્ટન સરફરાઝ અહમદ સહિત ૯ પ્લેયરે તાવનાં લક્ષણની ફરિયાદ કરી હતી, પણ તેમના કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

સના મીરે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું હતું. તે પોતાની ૧૫ વર્ષની ક્રિકેટ કરીઅરમાં કુલ ૨૨૬ ઇન્ટરનૅશનલ મૅચ રમી છે. ૨૦૦૯થી ૨૦૧૭ સુધી તેણે ૧૩૭ મૅચમાં પાકિસ્તાન વિમેન્સ ટીમની કમાન સંભાળી હતી. તેના નેતૃત્વમાં પાકિસ્તાન ૨૦૧૦ અને ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ સના પાકિસ્તાન સુપર લીગ અને સ્થાનિક ક્રિકેટની સ્પર્ધાઓમાં એક્સપર્ટ તથા કૉમેન્ટેટર તરીકે ફરજ બજાવી રહી છે.

sports sports news cricket news pakistan coronavirus covid19