રિષભ પંત સંદર્ભે કિરમાણી કહે છે...

10 February, 2021 11:57 AM IST  |  Pune | Agency

રિષભ પંત સંદર્ભે કિરમાણી કહે છે...

સૈયદ કિરમાણી

૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણીએ હાલમાં રિષભ પંત પર એક અનોખી ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પંતને પ્રતિભાવાન બૅટ્સમૅન ગણાવ્યો હતો, પણ વિકેટકીપિંગના મામલે તેના પગ હજી પારણામાં જ હોવાનું કહ્યું છે.

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જિતાડવામાં પંતે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં પણ તે શાનદાર ૯૧ રનની ઇનિંગ રમ્યો હતો. બૅટિંગમાં પોતાની પ્રતિભા દાખવ્યા છતાં તેણે વિકેટકીપિંગમાં કેટલા ગોટાળા વાળ્યા હતા જેને લીધે જસપ્રીત બુમરાહ ભારતીય પિચ પર પોતાનું ડ્રીમ ડેબ્યુ નહોતો કરી શક્યો.

પંત વિશે વાત કરતાં સૈયદ કિરમાણીએ કહ્યું કે ‘રિષભ પંત પાસે ઘણી પ્રતિભા છે જે તેને ગિફ્ટેડ છે. તે એક નૅચરલ સ્ટ્રોક પ્લેયર છે, પણ વિકેટકીપિંગની બાબતમાં તેના પગ હજી પારણામાં છે. ઑસ્ટ્રેલિયામાં જે પ્રમાણે તે રમ્યો હતો એ પ્રમાણે તેણે ઘણું શીખવું પડશે.’

વિકેટકીપિંગ માટે રિષભ પંતને સલાહ આપતાં કિરમાણીએ કહ્યું કે ‘તેણે વિકેટકીપિંગમાં બેઝિક ટેક્નિક સુધારવી પડશે, જેનો તેનામાં અભાવ જણાય છે. કીપરની કાબેલિયતનો ખરો અંદાજ ત્યારે જ આવે છે જ્યારે તે સ્ટમ્પની નજીક ઊભો રહે છે.’

Rishabh Pant cricket news sports news india england