એમાં કોઈ શંકા નથી કે પંત સફળ કૅપ્ટન બનશે : ગાવસકર

14 May, 2021 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલના પર્ફોર્મન્સથી પ્રભાવિત થયેલા લેજન્ડ ક્રિકેટર કહે છે કે તેનામાં એક તણખો છે, જો ફુલ ફ્રીડમ મળે તો તે આગ પણ બની શકે છે

સુનીલ ગાવસકર

રેગ્યુલર કૅપ્ટન શ્રેયસ ઐયર ઇન્ડર્જ થતાં યુવા વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત પર આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સની જવાબદારી આવી પડી હતી. ઘણાને શંકા હતી કે ટીમના એકથી એક ચડિયાત ખેલાડીઓને મૅનેજ કરવામાં પંત સફળ નહીં થઈ શકે, પણ આઠ મૅચ બાદ તેણે ટીમને ટૉપ પર પહોંચાડીને બધાને ખોટા સાબિત કરી બતાવ્યા હતા. તેની કૅપ્ટન્સીથી ઇમ્પ્રેસ થનારાઓમાં ભૂતપૂર્વ કૅપ્ટન અને લેજન્ડ ખેલાડી સુનીલ ગાવસકરનો પણ સમાવેશ છે. 

ગાવસકરે એક વેબસાઇટમાં તેની કૉલમમાં લખ્યું છે કે ‘યુવા કૅપ્ટન રિષભ પંતની કૅપ્ટન્સીમાં દિલ્હી કૅપિટલ્સ ટીમ ખૂબ અલગ લાગી. ૬ મૅચમાં આપણે જોયું કે સતત તેને કૅપ્ટન્સી વિશે સવાલ પુછાતાં તે કંટાળી ગયો હતો. દરેક મૅચ બાદ તેને એ જ સવાલ વારંવાર પૂછવામાં આવતો હતો, પણ આટલી મૅચમાં આપણે જોયું કે તેનામાં એક તણખો છે અને આગ બની શકે છે, પણ જો તેને ફુલ ફ્રીડમ મળે તો. એ ભૂલ જરૂર કરશે, કયો કૅપ્ટન ભૂલ નથી કરતો?’

પંતને સ્ટ્રીટ સ્માર્ટ ગણાવીને ગાવસકરે છેલ્લે લખ્યું છે કે ‘આપણે અમુક મૅચમાં જાયું કે તે તેની ભૂલોમાંથી શીખવામાં ખૂબ જ સ્માર્ટ છે. તેની આ સ્માર્ટનેસને લીધે જ ઘણી બધી વાર ટીમે મુશ્કેલ સમયમાંથી બહાર આવીને જીત મેળવી હતી. મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવવાની તેણે એક અલગ જ સ્ટાઇલ દેખાડી છે. ભારતીય ટીમનું તે એક બ્રાઇટ ફ્યુચર છે એમાં કોઈ શંકા નથી, કેમ કે તેણે સિદ્ધ કરી દીધું છે કે તમારી ક્ષમતાને ત્યારે જ તક મળે છે જ્યારે એ ટેમ્પરામેન્ટ સાથે યોગ્ય મેળ બેસાડે.

કૅપ્ટન્સીના ભાર છતાં પંતે તેની અસર તેના ફૉર્મ પર પડવા નહોતી દીધી અને ૮ મૅચમાં તેણે ૧૩૧.૪૮ની સ્ટ્રાઇક-રેટ અને ૩૫.૫૦ની ઍવરેજથી ૨૧૩ રન બનાવ્યા હતા. 

રિષભ પંતે લીધો વૅક્સીનનો પ્રથમ ડૉઝ
રિષભ પંતે ગઈ કાલે દિલ્હીનમાં કોરોના વાયરસની વૅક્સીનનો પ્રથમ ડૉઝ લીધો હતો. વેક્સીન લેતા વેળાનો ફોટો સોશ્યલ મિડિયમાં શેર કરીને તેણે લોકોને અપિલ કરતા ટ્વીટ કર્યું હતું કે આજે મેં પ્રથમ ડૉઝ લીધો છે. તમે પણ પાત્ર બનો ત્યારે મહેરબાની કરીને તુરત લઈ લેજો. જેટલી જલદી વેક્સીન આપણે લઈ લેશું એટલી જલદી આ વાયરસને હરાવી શકીશું.’

ગાવસકરને ગુસ્સો છે કે હૈદરાબાદે કૅપ્ટન સામે પગલા લીધા પણ કોચ સામે નહીં
સુનિલ ગાવસ્કરને એ વાતથી નારાજ છે અને ગુસ્સો પણ છે આ આઇપીએલ સીઝનમાં નબળા પફોર્મન્સ બદલ હૈદરાબાદ ટીમ કૅપ્ટન ડેવિડ વોર્નરની હકાલપટ્ટી કરીને તેને સજા કરી પણ કોચ સામે કેમ કોઈ પગલા ન લીધા. ગાવસ્કરે કહ્યું હતુ કે, કૅપ્ટન વોર્નરની હકાલપટ્ટી યોગ્ય હતી કે નહીં એ ચર્ચા તો લાંબો સમય ચાલતી રહેશે. પણ એક સવાલ જરૂર ચર્ચાવો જોઈએ કે જો કૅપ્ટનને સીઝનની મધ્યમાં બદલી શકાતો હોય તો કોચ સાથે એવું કેમ ન થઈ શકે? ફૂટબોલમાં ટીમનો પફોર્મન્સ જરાક નબળો પડે કે તરત જ ટીમને મેનેજરને કાઢી મુકવામાં આવે છે, ક્રિકેટમાં એવું કેમ નથી જોવા મળતું?

cricket news sports news sports sunil gavaskar Rishabh Pant