ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લાગ્યો

05 September, 2019 01:53 PM IST  |  Vadodara

ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લાગ્યો

Vadodara : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલને લઇને એક સમાચાર આવી રહ્યા છે. મુનાફ પટેલ પર ગંભીર આરોપ લાગ્યો છે. મુનાફ પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગેની અરજી ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. જેમાં મુનાફ પટેલ વારંવાર ધમકી આપતો હોવાનું જણાવવામાં આવ્યું છે.

મુનાફ પટેલ સામે બોલવાના કારણે મળી ધમકી

વડોદરા ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં છોકરાઓને અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવે છે. અમે લોકોએ મુનાફ પટેલ છોકરાઓને ડાયરેક્ટ ક્રિકેટમાં રમાડતો હોવાના સમાચાર પેપરમાં છપાવ્યા હતા. જેને લઇને આજે સવારે 9:30 વાગ્યે મુનાફ પટેલે ફોન કરીને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મુનાફે અમને ધમકી આપી કે આ બધા ધંધા બંધ કરી દેજે

મુનાફ પટેલ સામે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ પહેલાં શહેરમાં અમે ક્રિકેટ હિત રક્ષક સમિતિના બોર્ડ લગાવ્યા હતા. મુનાફ પટેલે ધમકી આપીને કહ્યું હતું કે, આ બધા ધંધા બંધ કરી દે અને આજે ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેથી મારા જીવને જોખમ છે. અને મને કંઇ પણ થાય તેની જવાબદારી મુનાફ પટેલની રહેશે.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

મને અનેકવાર આવી ધમકી આપવામાં આવી છે : હિત રક્ષક દેવેન્દ્ર

વડોદરા ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ જણાવ્યું હતું કે હું ભ્રષ્ટાચારના વિરોધમાં કામ કરૂ છું, જેથી મને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ પહેલાં પણ વારંવાર મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. છેવટે આજે કંટાળીને હું નવાપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસમાં આવ્યો છું. અને મુનાફ પટેલ સામે અરજી આપી છે.

cricket news sports news team india vadodara